• સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીકથી યુવાનને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવાયો

  • આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે
  • માલ ન વેચાતા પૈસા પાછા માંગતા ન મળતા અપહરણ કર્યું

હળવદમાં આવેલ વિશ્વાસ આર્કેડ કોમ્પલેક્ષમાં પૈસાની લેતીદેતી બાબતે કારમાં આવેલા ચાર શખ્સો દ્વારા બે યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તે પૈકીના એક યુવાનને ચુલી ગામના બસ સ્ટેન્ડ પાસે કારમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યો હતો અને બીજાનું અપહરણ કરીને લઈ ગયા હતા જેથી કરીને કારમાંથી ઉતારી દેવામાં આવેલ યુવાને હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

હળવદના વિશ્વાસ આર્કેડ નજીકથી ચાર અજાણ્યા શખ્સોએ રવિભાઈ સાકરીયા અને તેમના મિત્રનું બાકીના પૈસા અંગે વાતચીત કરી ગાળો આપી પોલીસ સ્ટેશને જવાનું બહાનું બતાવી પરાણે ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. આ બાબતે હળવદ પોલીસને ટેક્નિકલ સોર્સ પાસેથી જાણ થતાં આ ગુનામાં સંડોવાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના આરોપી મેહુલભાઈ ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.19), પૃથ્વીરાજ પ્રવીણભાઈ કંબોયા (ઉ.વ. 19), રોહનભાઈ વિનોદભાઈ પટેલ (ઉ.વ. 21), દીપકભાઈ કરશનભાઇ રાઠોડની સુરેન્દ્રનગર ખાતે, બસ સ્ટેન્ડ પાસે વાહન મુદ્દામાલ તથા ભોગ બનનાર વ્યક્તિ સાથે ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માલ ન વેચાતા પૈસા પાછા માંગતા ન મળતા અપહરણ કર્યું

આ બાબતે હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, અપહરણ કરવામાં આવેલ રવિભાઈની મામાની દીકરી પણ ઓનલાઇન કપડા વેચવાનો ધંધો કરતી હતી અને તેની પાસેથી પકડાયેલા આરોપીઓના મિત્ર ભગીરથ દ્વારા 32000 રૂપિયાની કિંમતના માલની ખરીદી કરવામાં આવી હતી જો કે, તે માલ ન વેચાતા તેણે પૈસા પાછા માગ્યા હતા અને ત્યારે પૈસા પાછા ન મળે તેવું રવિના મામાની દીકરી બહેન દ્વારા કહેવામાં આવ્યું હતું અને તેણે ત્યારબાદ આ ધંધો છોડી દીધો હતો. જોકે, ભગીરથને જે પૈસા લેવાના નીકળતા હતા તેની માંગણી તેને હાલમાં ભોગ બનેલા રવિભાઈ પાસે શરૂ કરી હતી અને તેવામાં ભગીરથના ચાર મિત્રો દ્વારા કારમાં રવિનું અપહરણ કરાયું હતું. જેની પોલીસ નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે


  • Follow us on: