હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરી રહેલા ધીરુભાઈ હરજીભાઈ પટેલ(ઉ.વર્ષ.55) અને તેમનો 22 વર્ષીય દીકરો વિશાલ ધીરુભાઈ બન્ને ખેતી માટેનું હલર લેવા માટે નજીક આવેલા એજાર ગામે સવારે આઠ વાગે પોતાનું બાઈક લઈને નીકળ્યા હતા.
બાઈક ચાલક ધીરુભાઈ ગામ નજીક નર્મદાની કેનાલ પાસે પહોંચ્યા તે દરમિયાન એકાએક બાઈક પરનો કાબૂ ગુમાવતા બાઈક સીધું કેનાલની અંદર ખાબકતા ધસમસતા પાણીમાં બાઈક ગરકાવ થઇ ગયું હતું. જ્યારે પિતા ધીરુભાઈ અને પુત્ર વિશાલ કેનાલના પાણીમાં તણાવા લાગ્યા હતા. ઘટનાની જાણ આજુબાજુના લોકોને તેઓએ હળવદ ફયરબ્રિગેડમાં જાણ કરી હતી. તેમજ સ્થાનિક તરવૈયાઓને પણ જાણ કરી હતી. એથી બંને ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કેનાલમાંથી બાઈકને બહાર કાઢી પાણીમાં ગરકાવ પિતા-પુત્રની શોધખોળ ચાલુ કરી હતી. પરંતુ ત્રણ કલાકની જહેમત બાદ બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક ધીરુભાઈને બે દીકરા અને બે દીકરી હતા. જે પૈકી એક દીકરો અલ્પેશનું 4 વર્ષ પહેલાં મોરબી પાસે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જ્યારે ગુરુવારે તેમનું તેમજ બીજા દીકરા વિશાલનું મોત નીપજ્યું છે. બન્ને બહેનોના લગ્ન કરી નાખ્યાં હોવાથી હવે હાલ મૃતક ધીરુભાઈની પત્નીનાં માથે આભ તુટી પડયાં જેવી હાલત થઈ હતી.










