હળવદ શહેરમાં આવેલ બાપાસીતારામ મઢુલી પાસેનું રેલવે ફાટક અવાર-નવાર બંધ રહેતું હોવાને કારણે અહીંથી આવન-જાવન કરતા 20 ગામના લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રેલવે ફાટકના સ્થાને બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉઠવા પામી છે.
શહેરના બાપાસીતારામ મઢુલી પાસે આવેલ રેલવે ફાટકથી જતો રોડ 20 ગામને જોડતો હોય જેના કારણે રેલવે ફાટક મોટા ભાગના સમયમાં બંધ રહેતું હોવાને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. હળવદ તાલુકાના ટીકર, માનગઢ, મિયાણી, વેગડવાવ, રણમલપુર, ઘણાદ, બુટવડા, ઘનશ્યામ ગઢ સહિત કુલ 20 ગામના લોકોનો માત્ર આ એક જ રસ્તો હોય જેના કારણે હળવદ આવવા માટે અથવા તો હળવદથી પોતાના ગામ જવા માટે રેલ્વે ફાટક ક્રોસ કરવી પડતી હોય છે. પરંતુ મોટાભાગે અહીંની રેલવે ફાટક બંધ રહેતી હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાથે સાથે આ તમામ ગામના લોકો મોટાભાગે હળવદ ધંધાર્થે આવતા હોય છે તેમજ સવાર બપોર સાંજ વિદ્યાર્થીઓની પણ અવર-જવર રહેતી હોય છે. જેથી ફાટક બંધ હોવાને કારણે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે અહીંનો રોડ પણ નાનો હોય જેના કારણે રેલવે ફાટક બંધ હોવાને કારણે ટ્રાફ્કિ જામની પણ સમસ્યા સર્જાતી હોય છે.










