હળવદ પાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે રવિવારે શાંતિપુર્ણ માહોલમાં મતદાન યોજાયુ હતુ. પાલિકા વિસ્તારના 14 બીલ્ડીંગમાં 30 મતદાન મથકો બનાવાયા હતા. જેમાં 11 સંવેદનશીલ હતા. ત્યારે સાંજ સુધીમાં સરેરાશ 63.61 ટકાથી વધુ મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કર્યો છે.
મોરબી જિલ્લાના હળવદ નગરપાલીકાની સામાન્ય ચૂંટણીઓમાં રવીવારે મતદાન યોજાયુ હતુ. પાલીકાના 7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન સવારે 7થી સાંજના 6 સુધી શાંતીપુર્ણ વાતાવરણમાં યોજાયુ હતુ. મતદાન માટે ચૂંટણી વિભાગ દ્વારા પાલિકા વિસ્તારની 14 ઈમારતોમાં 30 મતદાન મથકો બનાવાયા હતા. જેમાંથી 11 સંવેદનશીલ મતદાન મથકો હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ પણ મતદાન મથકોની મુલાકાત લઈ બંદોબસ્તની ચકાસણી કરી હતી. સવારથી જ મતદાન માટે મતદારોનો ઉત્સાહ નજરે પડતો હતો. અને સાંજ સુધીમાં સરેરાશ 63.61 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે. જેમાં સૌથી વધુ વોર્ડ નં. 1માં 74.89 ટકા અને સૌથી ઓછું વોર્ડ નં. 5માં 51.55 ટકા મતદાન નોંધાયું હતું.










