- શિવાલયોમાં કમળના દર્શન, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે
- ભક્તો શિવમય બનશે , આજે શ્રાવણ નક્ષત્ર
- વ્યતિપાત-વરિયાન યોગ સાથે ઉજવણી, રાત્રિએ 12.39થી 1.25નો નિશિથકાળ
મહાદેવ, નીલકંઠ, ભોલેનાથ સહિતના સંખ્યાબંધ નામો સાથે શ્રાદ્ધાળુઓના દિલમાં વસી ગયેલા ભગવાન શિવની આરાધનાના પવિત્ર અવસર મહાશિવરાત્રિની આવતીકાલે શનિવારે રંગારંગ ઉજવણી થશે. ધાર્મિક અનુષ્ઠાનો અને કાર્યક્રમો સાથે થનારી ઉજવણીને લઇને શ્રાદ્ધાળુઓમાં ઉત્સાહની લાગણી વ્યાપી ગઇ છે. દરમિયાન આ વર્ષે શનિપ્રદોષ સાથે મહાશિવરાત્રિ મહાપર્વની ઉજવણી થશે. શનિવારે શ્રાવણ નક્ષત્ર અને વ્યતિપાત-વરિયાન યોગ સાથે મહાશિવરાત્રિ પર્વ ઉજવાશે. જેમાં રાત્રિએ 12.39થી 1.25 વાગ્યા સુધીનો નિશિથકાળ રહેશે. મહાશિવરાત્રિને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતનાં શિવાલયોમાં કમળના દર્શન, મહાઆરતી સહિતના આયોજનો માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહાશિવરાત્રિ પર્વ વેળાએ શિવાલયોમાં રુદ્રી, શિવમહિમ્ન સ્ત્રોતના પાઠ અને શિવતાંડવ સ્ત્રોતથી ભગવાન શિવની આરાધના થાય છે. આખા વર્ષમાં 12 શિવરાત્રિ આવે છે. મહા વદ પક્ષની ચૌદશે આવતી મહાશિવરાત્રિનું મહત્ત્વ અનેરું છે. ત્યારબાદ શ્રાવણ માસની શિવરાત્રિનું મહત્ત્વ હોય છે. આ વર્ષે શનિપ્રદોષ સાથે મહાશિવરાત્રિ ઉજવાશે. શનિવારે રાત્રિએ 8.03 વાગ્યા સુધી તેરસની તિથિ છે અને ત્યારપછી ચૌદશની તિથિ શરૂ થઇ રહી છે. તેમ જોઇએ તો પ્રદોષને પગલે શનિવારે તેરસમાં મહાશિવરાત્રિ ઉજવાશે. શનિવારે સાંજે 7.36 સુધી વ્યતિપાત અને પછી વરિયાન યોગ રહેશે. સાંજે 5.42 સુધી ઉત્તરાષાઢા બાદ શ્રાવણ નક્ષત્ર રહેશે. રવિવારે ચૌદશ રહેશે અને 20 ફેબ્રુઆરીના રોજ સોમવતી અમાસ છે. શનિપ્રદોષ હોવાની સાથે હનુમાનજીનું પૂજન-અર્ચન પણ થશે. ધાર્મિક મહત્ત્વ પ્રમાણે, સૂર્યાસ્ત પછીની રાત્રિ એટલે કે શિવરાત્રિની ઉજવણી થાય છે.
મહાશિવરાત્રિએ શિવની પાલખીયાત્રાનું અનેરું મહત્ત્વ










