છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની વિવિધ એજન્સીઓએ ડ્રગ્સના મોટા મોટા જથ્થા પકડ્યા છે. આ પૈકી મોટા ભાગની કાર્યવાહી ગુજરાતના દરિયાકાંઠાવાળા વિસ્તારોમાં કરાઈ છે. જેમાં, કચ્છ, જામનગર, સૌરાષ્ટ્રનાં અન્ય કેટલાંક સ્થળો અને દક્ષિણ ગુજરાતનાં સ્થળો સામેલ છે.
ગુજરાતમાંથી કોને મોકલાય છે ડ્રગ્સ
ગુજરાતમાંથી પકડાતું ડ્રગ્સ મુખ્યત્વે ઉત્તર ભારત જ પહોંચાડવાનું હોય છે.દરેક વખતે જુદા-જુદા માણસો દ્વારા તેને આગળ પહોંચાડવામાં આવે છે. મુખ્યત્વે આ ડ્રગ્સ પંજાબ અને દિલ્હી જ પહોંચાડવાનું હોય છે,એક વખત ગુજરાતમાં ડ્રગ્સ પહોંચે ત્યાર બાદ તેને ટ્રેન, બસ કે કારમાં ગુજરાતમાંથી બહાર લઈ જવામાં આવે છે.
અફીણમાંથી બને છે નશાકારક પદાર્થ
વિશ્વમાં અફીણના કુલ ઉત્પાદનમાંથી 80 ટકા ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. જેમાં શુદ્ધિકરણ દ્વારા હેરોઇન સહિતના આદત પડી જાય તેવા નશાકારક પદાર્થ બનાવી શકાય છે.
250 ગ્રામથી વધુનો જથ્થો હોય તો વેપાર માટેનો મનાય
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા જો કોઈ વ્યક્તિ પાસેથી પાંચ ગ્રામ સુધીનું હેરોઇન પકડાય તો તેને ઓછો જથ્થો માનવામાં આવે છે. જ્યારે 250 ગ્રામ કે તેથી વધુના જથ્થાને મોટો જથ્થો માની તેમાં વેપારનું તત્ત્વ હોવાનું માનવામાં આવે છે.
સત્તાપરિવર્તન ડ્રગ્સનુ મુખ્ય કારણ
સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા લોકો અફઘાનિસ્તાનમાં સત્તાપરિવર્તનને કારણે ડ્રગ્સની હેરફેરમાં વધારો થયો છે કે કેમ તેને નજીકથી જોઈ રહ્યા છે. તાલિબાન માટે અફીણના ખેડૂતો પાસેથી ખંડણી તથા હેરફેર કરનારા પાસેથી રકમની વસૂલાત આવકનો મુખ્ય સ્રોત છે.
બહારના દેશો ભારતમાં ઘુસાડે છે ડ્રગ્સ
ગુજરાતમાં તાજેતરના સમયમાં જે કોઈ ડ્રગ્સની રિકવરી થઈ છે, તેનાં મૂળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે ઈરાન સાથે હોવાનો દાવો સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે.વર્ષ 2021માં મુંદ્રા બંદર ખાતેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)દ્વારા લગભગ 21 હજાર કરોડ રૂપિયાની કિંમતનુ ત્રણ હજાર કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પડાયુ હતું. વર્ષ 2023માં કચ્છના ગાંધીધામથી 30 કિમીના અંતરે આવેલ મીઠી રોહર ગામના દરિયાકાંઠેથી સ્થાનિક પોલીસને 80 કિલો કોકેઇન મળી આવ્યું હતું.