• બિલ્કીસ બાનોએ 30 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરી હતી
  • બિલ્કીસની અરજી સાથે સામાજિક કાર્યકરોની અરજીઓની પણ સુનાવણી થશે
  • SCના આદેશ મુજબ જ કેદીઓને મુક્ત કર્યા હતાઃ ગુજરાત સરકાર

બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોને મળેલી મુક્તિ સામે નવી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચ સુધી પહોંચ્યો હતો. જ્યાં જસ્ટિસ બેલા ત્રિવેદીએ ફરી એકવાર આ કેસથી દૂર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ બેલા ત્રિવેદી ગયા મહિને પણ બાનોની રિવ્યુ પિટિશનની સુનાવણીમાંથી દૂર થયા હતા.

ખંડપીઠે એમ પણ કહ્યું કે પીડિતા બિલ્કીસની અરજી સાથે સામાજિક કાર્યકરો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની પણ સુનાવણી કરવામાં આવશે. ગુજરાત સરકારે જવાબમાં કહ્યું છે કે તેણે SCના આદેશ મુજબ જ કેદીઓને મુક્ત કર્યા હતા.

અરજીમાં દાવો કરવામાં આવ્યો કે કેન્દ્રની મંજૂરી વગર મુક્તિ કઈ રીતે થઈ

આ અરજીઓ પૂર્વ CPI(M) નેતા સુહાસિની અલીએ દાખલ કરી છે, જ્યારે બીજી અરજી TMC સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની પરવાનગી વિના આરોપીઓને મુક્ત કરવાની સ્થિતિમાં નહોતી. આમ છતાં ગુનેગારોને કેવી રીતે છોડવામાં આવ્યા.

15 ઓગસ્ટ 2022ના રોજ, ગુજરાત સરકારે 2002માં બિલ્કીસ પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાના 11 દોષિતોને સમય પહેલાં જેલ મુક્ત કર્યા હતા. બિલ્કિસની સમીક્ષા અરજી 13 ડિસેમ્બર, 2022ના રોજ કોર્ટે ફગાવી દીધી હતી.

બિલ્કીસે બે અરજી દાખલ કરી હતી

બિલ્કીસ બાનોએ 30 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરી હતી. પ્રથમ અરજીમાં 11 દોષિતોની મુક્તિને પડકાર ફેંકીને તેમને તાત્કાલિક જેલમાં મોકલવાની માંગ કરી હતી. તો, બીજી અરજીમાં મે મહિનામાં આપવામાં આવેલા કોર્ટના આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે કહ્યું હતું કે દોષિતોને મુક્ત કરવા અંગેનો નિર્ણય ગુજરાત સરકાર લેશે. આ અંગે બિલકીસે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્રમાં કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર કેવી રીતે નિર્ણય લઈ શકે?


  • Follow us on: