- વરસાદ શરૂ થતા 11 KVના વીજપોલ ધરાશાયી
- પ્રાચી તીર્થની સરસ્વતી નદી હાલ બે કાંઠે વહી રહી છે
- ઉનાના જુડવડલી નજીક આવેલ કેદારેશ્વર ચેક ડેમ ઓવરફ્લો
ગીર સોમનાથના વેરાવળમાં વરસાદ આવ્યો છે. જેમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ શરૂ થતા 11 KVના વીજપોલ ધરાશાયી થયા છે. પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે. ડારી, છાત્રોડામાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમજ અલગ-અલગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે વેરાવળમા પણ વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. રેયોન કંપનીના ગેટ પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થયુ છે. 11 કેવીના 7 વીજ પોલ ધરાશાયી થયા છે.
પ્રાચી તીર્થની સરસ્વતી નદી હાલ બે કાંઠે વહી રહી છે
વેરાવળ સોમનાથમાં પાંચ ઈંચથી વધું વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો પર ભારે પાણી ભરાયા હતાં. જેમાં સટ્ટા બજાર, સુભાષ રોડ, લોહાણા હોસ્પિટલ રોડ સહિતમાં પાણી ભરાયા હતાં. તપેશ્વર રોડ પર આવેલ તપેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ઘુસી ગયા હતા. મુખ્ય માર્ગોની ગટરમાંથી પાણીનો નિકાલ ન થતાં મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે પ્રાચી તીર્થના માધવરાય પાણીમાં ગરકાવ થયા છે. ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી પાણીમાં જળમગ્ન થયા છે. માધવરાય મંદીરની પૂર્ણ સપાટી સુધી પાણીમા ગરકાવ થયું છે. પ્રાચી તીર્થની સરસ્વતી નદી હાલ બે કાંઠે વહી રહી છે.
ઉનાના જુડવડલી નજીક આવેલ કેદારેશ્વર ચેક ડેમ ઓવરફ્લો
ઉનાના જુડવડલી નજીક આવેલ કેદારેશ્વર ચેક ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો તથા ઈટવાયા ગામને જોડતો કોઝવે મછુનદ્રી નદીના પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદથી અનેક સ્થળે પાણી ભરાયા છે. વેરાવળમાં પણ 4 કલાકમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ તરફ અમરેલી જિલ્લાના ખાંભામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે દ્નારકા કલ્યાણપુરમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે
પોરબંદર અને જુનાગઢના વંથલીમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે માણાવદરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 24 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ તરફ રાજકોટના ધોરાજીના ભાડેર ગામમાં વરસાદ આફત બનીને તૂટી પડ્યો. ગામમાં 5 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ગામમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે. નદી-નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ભારે વરસાદથી સર્વત્ર થયું પાણી-પાણી થયુ છે. ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે.









