ખેરાલુ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ભારે પવનના કારણે પવનના સૂસવાટા પણ સંભળાયા છે. ભારે પવન અને કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને નુક્સાન થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે. બાજરીના પાકોને ભારે નુક્સાન થશે અને ખેડૂતોના મોંએ આવેલો કોળીયો છીનવાઈ જવાનો ડર ખેડૂતોને છે.
ગુજરાતમાં 11 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 12થી 18 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જશે. બંગાળ ઉપસાગરમાં સાયકલોન બની રહ્યું છે, 10 જૂનની આસપાસ સાયકલોન બની રહ્યું છે, તેથી ગુજરાતના પૂર્વ ભાગમાં અસર થશે તો વરસાદ આવશે. 14થી 16 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. આ સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
અમદાવાદ શહેરમાં પણ સાંજે વરસ્યો વરસાદ
તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં પણ સાંજના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ અચાનક જ વરસાદ શરૂ થઈ ગયો હતો. શહેરના વસ્ત્રાપુર, બોડકદેવ, શિવરંજની, ગોતા, સેટેલાઇટ, SG હાઈવે, ડ્રાઈવ ઇન રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જો કે થોડો સમય વરસાદ વરસ્યા બાદ સૂર્યનારાયણે દર્શન આપ્યા હતા અને ફરી એક વખત લોકોને ઉકળાટ સહન કરવાનો વારો આવ્યો હતો.









