• ભૂજમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2.2 ઇંચ વરસાદ
  • વીજળી ત્રાટકતા મંદિરની છતમાં ગાબડું પડ્યું
  • લખતરમાં નદીના પાણી ફરી વળતા રોડ બંધ
વરસાદના કારણે ફરી એકવખત કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બિપોરજોયના કારણે કચ્છમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો. ત્યાં આજે સવારથી કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. જેના કારણે કચ્છના વિવિધ તાલુકાઓમાં પાણી ભરાઈ ગયું છે. 

જ્યારે કડાકા ભડાકા સાથે વરસાદ વચ્ચે કચ્છના મહાદેવ મંદિર પર વીજળી ત્રાટકી છે. અબડાસા તાલુકાના કુકડાઉમાં શંકર ભગવાનના મંદિરના શિખર ઉપર આકાશી વીજળી ત્રાટકી હતી. જેથી મંદિરની છતમાં ગાબડું પડ્યું હતું અને મંદિરની અંદર ઇલેક્ટ્રીક વાયરીંગ બળીને ખાખ થઈ ગયું હતું. ગત રાત્રે 9:00 વાગ્યાના અરસામાં વીજળી પડી હતી.

આ તરફ ભૂજમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું છે. જ્યારે જી.કે.જનરલ રોડ, ઉદ્યોગ કેન્દ્ર પાસે પાણી ભરાયા છે. જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. જેથી માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતા. નખત્રણામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. રોડાસર - પીપર માર્ગ પર નદીના પાણી ફરી વળ્યાં છે.

ભારે વરસાદના પગલે નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ થયો છે. તેમજ ગુહર પાપડી બે કાંઠે વહેતા લખપત તાલુકાના ચકરાઈ પાસે આવેલી નદીમાં પાણીની આવક થઈ છે. ભૂજમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભૂજની જીકે હોસ્પિટલ સામેના માર્ગે પાણી ભરાતા વાહન વ્યહવાર એકમાંર્ગી થયો હતો. તેમજ ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસતા મોટાબંધમાં પાણીની આવક શરૂ થઈ છે. 

સવારે 6 થી 10 માં 73 તાલુકામાં વરસાદ 

આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને પગલે આજે સવારથી જ અનેક પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયા છે. જેમાં સૌથી વધુ જામનગરમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ભૂજમાં 2.2 ઈંચ, કલ્યાણપુરમાં 1.5 ઈંચ તો દ્વારકા, પોરબંદર, નખત્રાણામાં 1.3 ઈંચ વરસાદ ખાબક્યો છે.
  • Follow us on:

[[$googlead]]