ભર ઉનાળે હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે મોટાભાગની ખેતી સહિત તૈયાર પાકોને ભારે નુકસાન થયું છે. બાજરી, જુવાર જેવા પાકોમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોના મોંએ આવેલો કોળીયો છીનવાયો છે. જિલ્લામાં ભારે પવન વચ્ચે થયેલા વરસાદને કારણે અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયાના બનાવો પણ બન્યા છે.
ખેડૂતોના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ
સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે જુવાર, બાજરી સહિતના તૈયાર પાકોમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. 3 માસ સુધી ખેતરમાં ખેત મજૂરી કરીને તૈયાર કરેલો પાક કમોસમી વરસાદમાં ધોવાઈ જતા ખેડૂતોના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ છે. ખેતીવાડી વિભાગ તેમજ રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદમાં ખેતીમાં થયેલા નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવવાની વાતો પણ કરવામાં આવતી હોય છે, જો કે મહામહેનતે તૈયાર કરેલો પાક કુદરતી આફતમાં ધોવાઈ જતા મોટાભાગનો ખેડૂત આલમ ચિંતાતુર બન્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
આવનારા સમયમાં રાજ્ય સરકાર તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ તેમજ વાવાઝોડામાં શાકભાજી સહિત ખેતીમાં થયેલા નુકસાનીનું સર્વે કરી ઝડપીથી વળતર ચૂકવવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર નોંધાયો હતો, જિલ્લામાં ભારે પવન વીજળીના કડાકા સાથે વરસાદને લઈ મોટાભાગના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઈ થયાના બનાવો વચ્ચે નુકસાન થયાની આશંકાઓ પણ વર્તાઈ રહી છે.









