• ટેક્નોલોજી અને કનેક્ટિવિટી વધતા ખેડૂતો માટે નેટવર્કિંગ સરળ બન્યું

  • ખેડૂતો પાકમાં ખરાબી, દવા, ઉત્પદન, ભાવ સહિતની બાબતોની ચર્ચા કરે છે
  • મોટાભાગના ગુપમાં 500 જેટલા સભ્યો હોય છે

આજના સમયમાં સોશિયલ મીડિયા લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. કોલેજીયન હોય કે સર્વિસ કરતા વ્યક્તિ, દરેક પોતાની અનુકુળતા મુજબ સમય કાઢીને મોબાઈલમાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં ડોકિયું કરી લેતા હોય છે. જોકે હવે માત્ર યુવાનો જ તેનો ઉપયોગ કરે છે તેવું નથી. ગુજરાતના ખેડૂતો પણ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતો સ્માર્ટ બન્યા છે અને એટલે જ સોશિયલ મીડિયાના માધ્યમથી પાકમાં ખરાબી, દાવા, ઉત્પાદન, ભાવ સહિતની બાબતોની ચર્ચા કરી એકબીજાની મદદ કરી રહ્યા છે. ગુજરાતમાં અલગ અલગ પાક માટે, ઓર્ગેનિક ખેતી માટે અલગ અલગ ગ્રૂપ પણ ચાલે છે. મોટાભાગના ગુપમાં 500 જેટલા સભ્યો હોય છે.

એટલું જ નહિ પણ આવા ગ્રુપમાં હવે કૃષિ નિષ્ણાતો અને ફર્ટીલાઈઝર અને કૃષિ સાથે જોડાયેલી કંપનીઓના પ્રતિનિધિઓ પણ જોડાયેલા હોય છે. ખેડૂતો તેમના પ્રશ્નો અને મુશ્કેલીઓ ગ્રૂપમાં મુકે છે અને તેના વિષે અન્યો પાસેથી માર્ગદર્શન મેળવે છે. મોબિલ કનેક્ટિવિટીમાં વધારો અને ટેકનોલોજીએ ખેડૂતોનું જીવન સરળ બનાવી દીધું છે. અગાઉ કૃષિ નિષ્ણાતો સુધી પહોંચવું તેમજ હવામાન કે પછી ખાતર અને બિયારણ સંબંધિત માહિતી મેળવવી મુશ્કેલ હતી. જોકે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતો, નિષ્ણાતો અને કંપનીઓ એકબીજા સાથે જોડાઈ છે તેના કારણે ખેતીને લગતી મુશ્કેલીઓનું નિવારણ પણ ઝડપી બન્યું છે.

ખેડૂતોનું એકબીજા સાથે જોડાવાનું સરળ બન્યું

વોટ્સએપ પર ખેડૂત ક્લબ નામથી ગ્રુપ ચલાવતા માવજીભાઈ પટેલે જણાવ્યું કે, સોશિયલ મીડિયાના કારણે ગુજરાતના દરેક પ્રદેશના ખેડૂતોનું એકબીજા સાથે જોડાવાનું સરળ બન્યું છે. ગુજરાતમાં આવા અનેક ગ્રુપ્સ ચાલે છે અને તેમાં દરેકમાં 500થી વધુ સભ્યો હોય છે. ગ્રૂપમાં અન્ય સભ્યો તેમની જાણકારી મુજબના સૂચનો આપે છે. આ ઉપરાંત આ ગ્રુપમાં કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, ફર્ટીલાઈઝર અને બિયારણ કંપનીના પ્રતિનિધિઓ ખેડૂતોને મદદરૂપ થાય તેવી માહિતી આપતા હોય છે.

ટેકનોલોજીએ ખેડૂતોની સરળતા વધારી

રાજકોટના ખેડૂત અને કૃષિના અભ્યાસુ રમેશ ભોરણિયાએ જણાવ્યું કે, પહેલા સોશિયલ મીડિયામાં ભાષાનો પ્રશ્ન રહેતો હતો. મોટાભાગે અંગ્રેજીમાં લખવું પડતું હતું પણ મોબાઈલ ટેક્નોલોજીમાં આવેલા સુધારાના પગલે ખેડૂતો ગુજરાતી અને હિન્દીમાં લખી શકે છે. આ ઉપરાંત ઘણા ખેડૂતો વોઈસ મેસેજ અને વોઈસ ટાઈપીંગનો પણ ઉપયોગ કરે છે.

કૃષિ નિષ્ણાતો પણ ગ્રૂપમાં સક્રિય રહે છે

ઓર્ગેનિક ફર્મિંગનું ગ્રુપ ચલાવતા ભાવનગરના કુલદીપસિંહ વાળાએ કહ્યું કે, વિતેલા થોડા વર્ષો દરમિયાન ગુજરાતના ખેડૂતોમાં સોશિયલ મીડિયા નેટવર્કિંગનું પ્રમાણ વધ્યું છે. ખેડૂતોમાં પણ ઓર્ગેનિક ખેતીનું પ્રમાણ વધ્યું છે. આ સાથે જ પશુપાલન અંગેની ચર્ચા થતી હોય છે. એગ્રિકલ્ચર એક્સપર્ટ દેશ અને દુનિયામાં ઓર્ગેનિક ફર્મિંગ અંગે કેવા ડેવલપમેન્ટ થઇ રહ્યા છે તેની પણ જાણકારી આપતા હોય છે. તેમાં પણ નવી ટેકનોલોજી, ઉત્પાદનની પદ્ધતિઓ, ખર્ચ, હવામાનજેવી બાબતોની ચર્ચા થાય છે.


  • Follow us on: