- બોર્ડની સાઈટ પર જાહેર નંબર લાગતો નથી, લાગે તો કોઈ ઉપાડતું નથી
- બોર્ડના એક પણ અધિકારીનો સરકારી નંબર વેબસાઈટ પર નથી
- બોર્ડની આંતરિક કચેરીઓમાં પણ સંકલનનો ભારે અભાવ હોવાની ફરિયાદો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનો હેલ્પ લાઈન નંબર માત્ર શોભાના ગાંઠીયા સમાન છે. બોર્ડની વેબસાઈટ પર લખવામાં આવેલા બે લેન લાઈન નંબર પૈકી એકપણ લાગતો નથી અને લાગે છે તો કોઈ જવાબ જ આપતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. આ સિવાય વેબસાઈટ બોર્ડની છે પરંતુ બોર્ડના એકપણ અધિકારીનો સરકારી નંબર જાહેર કરવામાં આવ્યો નથી. તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓના કોન્ટેક્ટ નંબર જાહેર કરાયા છે, જે અરજદારો માટે સાવ વ્યર્થ છે. કારણ કે, બોર્ડની વેબસાઈટ પર બોર્ડને લગતી વિગતો માટેના કોન્ટેક્ટ પર્સનનો નંબર હોવો જોઈએ એ નથી. આ અંગે શિક્ષણ બોર્ડના સચિવ એન.જી વ્યાસને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, અમે પરીક્ષા સમયે હેલ્પ લાઈન નંબર જાહેર કરીએ છીએ તેમજ હેલ્પ લાઈન નંબરને લઈ નિરાકરણ પણ લાવીશું. મહત્વની વાત એ છે કે, પરીક્ષા સમય સિવાય પણ નામ, અટક, જન્મ તારીખમાં સુધારા સહિત અન્ય બોર્ડને લઈ વિગતો માટે અરજદારો આવતાં હોય છે. આવા સંજોગોમાં સામાન્ય વિગત જાણવી હોય તો રાજ્યનાં અંતરિયાળ વિસ્તારમાં બેઠેલો અરજદારને ગાંધીનગર રૂબરૂ ધક્કો ખાવો પડે એના કરતાં હેલ્પ લાઈન નંબર મારફતે તેને વિગતો મળી શકે તેવી કોઈ જ વ્યવસ્થા શિક્ષણ બોર્ડની કચેરીમાં જોવા મળતી નથી. એટલુ જ નહી, બોર્ડની આંતરિક કચેરીઓમાં પણ સંકલનનો ભારે અભાવ હોવાની ફરિયાદો ઉઠે છે.










