- અમરેલીમાં ગ્રામ પંચાયતના કર્મચારીને કાયમી કરવાના હુકમનો અનાદર
- ધારી ગ્રામ પંચાયતના પ્રમુખ સહિતના અધિકારીઓનો ખુલાસો માંગ્યો
- સંબંધિત સત્તાવાળાઓને અદાલતી તિરસ્કાર અંગેની નોટિસ જારી કરી ખુલાસો માંગ્યો
અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતના કર્મચારીને કાયમી કરવા અંગેના કેસમાં ખુદ હાઇકોર્ટના જ હુકમનું પાલન નહી થતાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં જસ્ટિસ આશુતોષ જે.શાસ્ત્રી અને જસ્ટિસ હેમંત એમ.પ્રચ્છકની ખંડપીઠે રાજયના પંચાયત ગ્રામ્ય હાઉસીંગ એન્ડ ગ્રામ્ય વિકાસ વિભાગના સચિવ મોના ખંધાર, અમેરેલી જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવા, ધારી ગ્રામ પંચાયતના પ્રમુખ જયશ્રી વાળા સહિતના સત્તાવાળાઓને અદાલતી તિરસ્કાર અંગેની કન્ટેમ્પ્ટ નોટિસ જારી કરી હતી.
હાઇકોર્ટે સમગ્ર મામલે સત્તાવાળાઓનો ખુલાસો માગ્યો છે અને કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરી માસમાં મુકરર કરી હતી. અરજદારપક્ષ તરફ્થી કન્ટેમ્પ્ટ પિટિશનમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર નોકરીમાં કાયમી બનવા અંગે લેબર કોર્ટ અને હાઇકોર્ટમાં પણ જીતી ગયા હોવાછતાં તેમને હજુ સુધી કાયમી કરાયા નથી. ખુદ ધારી ગ્રામ પંચાયત તરફ્થી સત્તાવાળાઓને અરજદાર કર્મચારીને કાયમી કરવા બાબતની દરખાસ્ત 2020માં મોકલી હતી તેમછતાં સત્તાવાળાઓ દ્વારા આ દરખાસ્ત ધ્યાને લેવાઇ ન હતી.










