- નીચલી અદાલતે પણ અરજદારની ડિફોલ્ટ જામીન અરજી ફગાવેલી
- 25 જાન્યુઆરી-2022ના ધંધુકામાં થઈ હતી કિશન ભરવાડની હત્યા
- એટીએસે 30 જાન્યુઆરીએ આરોપીની દિલ્હીમાંથી ધરપકડ કરેલી
સોશિયલ મિડીયામાં ઈસ્લામ વિશે આપત્તિજનક ટિપ્પણી કરવાના મુદ્દે ધંધુકાના કિશન ભરવાડની આ વર્ષની શરૂઆતમાં હત્યા કરવાના કેસમાં આરોપી મૌલાના કમર ગની ઉસ્માનીની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
સરકારી વકીલની રજૂઆત
સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારની રજૂઆત હતી કે આરોપી હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે. પ્રથમદર્શીય રીતે આરોપી સામે પુરતા પુરાવા છે, તપાસમાં મુદત વધારવાના મુદ્દે પણ આરોપીને સમયસર જાણ કરવામાં આવેલી છે. ગુનાની ગંભીરતાને જોતા તેની જામીન અરજી ફગાવી દો.
અરજદારના વકીલની રજૂઆત
અરજદારના વકીલની રજૂઆત હતી કે, પોલીસે નિર્ધારિત 90 દિવસમાં તપાસ પૂર્ણ કરી નથી, પોલીસ અરજદારને જાણ કર્યા વગર તપાસમાં એક્સટેન્શન ( વધુ મુદત)ની માગ કરી શકે નહીં.
કેસની વિગત
આ વર્ષની શરૂઆતમાં કિશન ભરવાડે ઈસ્લામ સંબંધિત વિવાદાસ્પદ ટિપ્પણી સોશિયલ મિડીયામાં કરેલી. આ ઘટના બાદ, બે યુવકોએ 25 જાન્યુઆરી-2022ના રોજ ધંધુકામાં કિશન પર ગોળીબાર કરેલો. જેના લીધે, તેનું ઘટના સ્થળે મોત થયેલુ. આ કેસમાં પાંચથી વધુ આરોપીઓની ધરપકડ કરાયેલી છે. જેમાં, મૌલાના કમર ગની ઉસ્માનીની ધરપકડ 30 જાન્યુઆરીના રોજ દિલ્હીથી કરવામાં આવેલી. આરોપી મૌલાના કમર ગની ઉસ્માનીની ડિફોલ્ટ જામીન અરજી નીચલી અદાલતે ફગાવી દીધી હતી. જેની સામે તેણે હાઈકોર્ટમાં અરજી કરેલી.