સામાન્ય રીતે ભારત સહિત અન્ય દેશોમાં રહેતા અને લોકોને અમેરિકા જવાનું ઘેલુ લાગ્યુ હોય તેમ કેટલાક લોકો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા માટે અનેક દિવસો સુધી અમેરિકાની સરહદમાં રાત-દિવસ ચાલીને કેટલાક લાલચુ એજન્ટો ખાસ કરીને ગુજરાતીઓને અમેરિકા મોકલી આપે છે.


ત્યારે થોડાક સમય અગાઉ મોયદ ગામના એક યુવક, પત્નિ અને સગીરને એજન્ટે અમેરિકા મોકલવા માટે લાખો રૂપિયા લીધા બાદ તેમને અમેરિકાની સરહદેથી અમેરિકામાં પ્રવેશ કરવા લઈ ગયો હતો. જયાં મોયદના એક યુવાનનું મોત નિપજયું હોવાની ઘટના સોમવારે સોશિયલ મીડીયામાં જાહેર થયા બાદ સાબરકાંઠા સહિત ગુજરાતમાંથી અમેરિકા ગયેલા કેટલાક પરિવારોમાં ચિંતાની લાગણી પ્રસરી ચૂકી છે. સોશિયલ મીડીયામાં જાહેર થયેલી વિગતો મુજબ, મોયદનો આ યુવાનને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે બેહોશ થઈ કોમામાં સરી પડયો હતો. જેથી તેને નિકારગુઆમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવક મોતને ભેટયો હતો. જયારે મૃતક યુવાનની પત્નિ અને સગીર બાળક હાલ નિકારગુઆમાં મદદની રાહ જોઈને બેઠા છે. સોશિયલ મીડીયાના આધારે મળતી માહિતી મુજબ, મોયદ ગામના રૂપાજીવાસમાં રહેતા દિલીપભાઈ મગનભાઈ પટેલ તેમના પરિવાર સાથે ત્રણ મહિના અગાઉ ઘરેથી નીકળ્યા હતા. દિલીપભાઈની માતા લખમીબેનના જણાવ્યા મુજબ, તેમનો પુત્ર પરિવાર સાથે ફરવા જવાનું કહીને મોયદથી નીકળ્યો હતો. જો કે તેઓ ક્યાં ગયા છે તેની કોઈ માહિતી નથી. લખમીબેન હાલ તો દરેક પ્રશ્નોના એક જ જવાબ આપે છે કે મને મારા પુત્ર અને પરિવારની કોઈ જ ખબર નથી. હાલમાં મૃતકના પરિવારનું ઘર એકદમ સૂમસામ છે. માતા લખમીબેન વારંવાર એક જ વાત જણાવી રહ્યા છે કે, તેમનો પુત્ર ફરવા જવાનું કહીને ગયો હતો અને હજુ સુધી પરત આવ્યો નથી. જો કે સૂત્રો દ્વારા મળેલી વિગતો મુજબ મૃતક યુવકે નિકારગુઆ થઈને અમેરિકામાં પહોંચવા માટે એજન્ટ મારફતે ગોઠવણ કરાવી હોવાની શકયતા નકારી શકાતી નથી. દિલીપભાઈનું જે રીતે મોત નિપજયું છે તે જોતાં તેમને લઈ જનાર એજન્ટ હવે શંકાના દાયરામાં આવી ગયો છે.

જેથી આ મામલે વધુ તપાસ થાય તો અનેક લેભાગુ એજન્ટો કે જે અનેક યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી લઈને તેમને અમેરિકા મોકલી આપવાના વચનો આપે છે. તેમ છતાં અમેરિકા જવાની લાલચ રાખતા અનેક લોકો હજુ પણ અમેરિકા જવા માટે રૂપિયા ખર્ચવાની તૈયારી બતાવી રહ્યા છે. મોયદનો આ પરિવાર ત્રણ મહિનાથી ગયો છે જ્યાં યુવકનું મોત નિપજયું છે, જેથી ઉંડાણ પૂર્વક તપાસ થાય તે જરૂરી છે જરૂર પડે સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક વિગતો મેળવીને તપાસનો દૌર આગળ વધારી શકાય છે.

મોયદના સરપંચ શું કહે છે ?

મોયદના સરપંચ ધનરાજસિંહ રાઠોડનું માનવું છે કે, દિલીપભાઈના મોત પાછળ ડાયાબિટીસની દવાઓનો અભાવ હોવાને લઈ એજન્ટ પણ શંકાના દાયરામાં છે. એજન્ટે દોઢ માસ સુધી યુવકના પરિવારને જોખમી સ્થિતિમાં રાખ્યા હોવાના સવાલો ઊભા થઇ રહ્યા છે. યુવકના મોત અંગે સરપંચને પણ ગામના કેટલાક લોકો પાસેથી જાણકારી મળી હતી જેથી તેઓ વધુ કઈ જાણતા નથી તેવો દાવો કર્યો છે.

મોયદના 50થી વધુ પરિવારો અમેરિકા રહે છે

પ્રાંતિજ તાલુકાના મોયદવાસ રૂપાજી ગામના 50થી વધુ પરિવારો વર્ષોથી અમેરિકામાં સ્થાયી થઈ ચૂકયા છે, અને તેઓ અમેરિકાના નાગરિક પણ બની ગયા છે. જયારે તેઓ વતનમાં પરત આવે ત્યારે તેમની જીવનશૈલી અને વાતો સાંભળીને અન્ય લોકોને પણ અમેરિકાનું ઘેલુ લાગે છે. અમેરિકા રહેતા કેટલાક પરિવારો તો જયારે મોયદ સહિત અન્ય ગામોના એનઆરઆઈ વતનમાં આવે ત્યારે તેઓ કેટલીક વખત તેમની રહેણીકરણીને લીધે પણ સ્થાનિક લોકો કરતાં અલગ પડે છે.


  • Follow us on: