સાબરકાંઠા સહિત સમગ્ર દેશમાં દિવાળી બાદ માંગલિક કાર્યોનો પ્રારંભ થઈ ચૂકયો છે અને સાથે જ શિયાળો પણ શરૂ થઈ ગયો છે જેથી અનેક પરિવારોમાં લગ્નો લેવાઈ રહ્યા છે ત્યારે પ્રથમ તબક્કો તા.16 નવેમ્બરથી શરૂ થયો છે તેજ પ્રમાણે ડિસેમ્બર મહિનામાં પણ લગ્નના અનેક મૂર્હત હોવાથી જયાં જુઓ ત્યાં શરણાઈ અને ઢોલ ઢબુકતા સાંભળવા મળશે.
આ અંગે વિજયનગરના જયોતિષ દેવશંકર ભટ્ટના દાવા મુજબ, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં માંગલિક કાર્યો કરવા માટે અંદાજે 23 મૂર્હત છે. જયોતિષીઓના જણાવાયા મુજબ લગ્નનો પ્રથમ તબક્કો તા.16 નવેમ્બરથી શરૂ થઈ ચુકયો છે. જેના ભાગરૂપે સાબરકાંઠા સહિત ગુજરાતમાં અનેક ઠેકાણે લગ્નો લેવાયા છે જયારે કેટલાક બાકી છે તે આ પ્રથમ તબક્કામાં સંપન્ન થવાની શકયતા છે.
તો બીજી તરફ ડિસેમ્બરમાં લગ્નના મૂર્હત છે પણ તેમાં રેખા સહિત 7 અણીશુધ્ધ મૂર્હત છે, હિન્દુ ધાર્મિક સંસ્કૃતિમાં વિવિધ પર્વોમાં તિથીનું ખૂબ મહત્વ બતાવાયું છે ત્યારે શુભ કાર્યો માટે તાલ મેળવવો અનિવાર્ય છે. ભારતીય જયોતિષ તથા ચિંતામણી આધારે એવુ ફલીત થયુ છે કે નભો મંડળના 27 નક્ષત્રો પૈકી 15 નક્ષત્રો માંગલિક કાર્યો માટે શુભ માનવામાં આવે છે. આ વર્ષે રેખા સહિતના 7 શુભ મૂર્હતોને અણીશુધ્ધ ગણા છે.
ડિસેમ્બર મહિનામાં 15 ડિસેમ્બર માગશર સુદ 15 રવિવારથી તા.14 જાન્યુઆરી 2025 , પોષવદી એકમ મંગળવાર સુધી કમુરતા હોવાથી શુભ કાર્યોમાં બ્રેક લાગશે જોકે હજુ નવેમ્બર મહિનામાં તા.22,23, 26 અને 27મીએ શુભ કાર્યો થશે. ડિસેમ્બર મહિનામાં તા.2, 3, 4, 5, 6, 7, 11, 12, 14, 15, 22, 23, 26 અને 27મીએ શુભ મૂર્હતમાં માંગલિક કાર્યો કરી શકાશે. જોકે ડિસેમ્બર મહિનામાં શુધ્ધ લગ્નો માટે તા.6, 7 અને 11ને શુભ માનવામાં આવે છે.