- કિરણ પટેલ સાથે હિતેશ પંડયાનો પુત્ર હોવાનો ખુલાસો થયો હતો
- હિતેશ પંડયાના પુત્ર અમિત પંડ્યા હાલ કાશ્મીર પોલીસની કસ્ટડીમાં
- તેની સાથે રાજકોટના જય સીતાપરા નામની વ્યક્તિ પણ હતી
બહુચર્ચિત કિરણ પટેલ કેસના મામલે ગુજરાતનાં મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ના જનસંપર્ક અધિકારી (PRO) હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાનું નામ ખૂલ્યા બાદ આજે હિતેશ પંડ્યાએ CMOમાંથી રાજીનામું આપી દીધું છે. હિતેશ પંડયાના પુત્ર અમિત પંડ્યા હાલ કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે.
હિતેશ પંડ્યા 20 વર્ષથી CMOમાં PRO કાર્યરત
હિતેશ પંડ્યા વર્ષ 2002માં મુખ્યમંત્રી કાર્યાલયમાં PRO તરીકે જોડાયા હતા. તે અગાઉ હિતેશ પંડ્યા રાજકોટમાં સમાચાર પત્ર સાથે સંકળાયેલા હતા. હિતેશ પંડ્યાએ આજે સાંજે રાજીનામું આપ્યું હતું અને તેઓ 31મી માર્ચ સુધી CMOમાં કાર્યરત રહેશે. કિરણ પટેલ પણ સીધો હિતેશ પંડ્યા સાથે સંકળાયેલો હોવાની પણ ચર્ચાઓ વહેતી થઇ હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પીઠબળ મળતા જ કિરણ પટેલે ગુજરાતમાં અનેક ઇવેન્ટનું આયોજન પણ કર્યું હતું.
JK પોલીસે અમિત પંડ્યાને અમદાવાદથી લઈ ગઈ હતી
અમિત પંડ્યા અને તેના મિત્ર મૂળ રાજકોટના જય સીતાપરને થોડા દિવસો પૂર્વે જમ્મુ અને કાશ્મીર પોલીસ (J&K પોલીસ) પૂછતાછ માટે લઈ ગઈ હતી. જ્યારે કાશ્મીરમાં કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી ત્યારે આ બંને પણ તેની સાથે હતા. પરંતુ તે સમયે પોલીસે આ બંનેને જવા દીધા હતા.
અમિત પંડ્યા CCTV નેટવર્કિંગ કંપની ચલાવે છે
આ ઉપરાંત કિરણ પટેલ સાથે શ્રીનગરની હોટલમાં રોકાનાર રાજસ્થાનના ત્રિલોક સિંહ નામની વ્યક્તિને પણ પૂછતાછ માટે બોલાવવામાં આવ્યો હતો. J&K પોલીસે જણાવ્યુ કે, કિરણ પટેલની ધરપકડ સમયે અમે જ આ લોકોને જવા દીધા હતા. અમિત પંડ્યા ગુજરાત ભાજપના મીડિયા સેલમાં પણ એક્ટિવ છે અને CCTV નેટવર્કિંગની કંપની ચલાવે છે.
જાણો સમગ્ર ઘટના:
જમ્મુ-કાશ્મીરમાંથી પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પીએમઓનો અધિકારી હોવાનું જણાવી રહ્યો હતો. આ મહાઠગ મૂળ અમદાવાદનો રહેવાસી છે. કિરણ પટેલ અમદાવાદમાં પણ પોતે સંઘ સાથે જોડાયેલો તથા PMOમાં હોવાનું લોકોને કહેતો હતો. હાલમાં ગુજરાત ATSની ટીમ હવાઈ માર્ગે જમ્મુ કાશ્મીર ડો. કિરણ પટેલ ઉર્ફે બંસીને ગુજરાત લાવવા માટે રવાના થઈ ગઈ છે. આ ઉપરાંત પોલીસે તેના ઘોડાસર ખાતેના પ્રેસ્ટિઝ બંગ્લો પર પણ પોલીસે દરોડા પાડીને તપાસ શરૂ કરી દીધી છે. અગાઉ પણ નરેન્દ્ર મોદીની ઓફિસમાં ઉચ્ચ અધિકારી હોવાનું ઓળખ આપી હતી અને તે વખતે પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.









