રાજ્યભરમાં આજે હોળીની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યના ગાંધીનગર, અમદાવાદ, જામનગર, ભાવનગર, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, ભરૂચ સહિત મોટાભાગના શહેરમાં હોળી પ્રગટાવવામાં આવી છે. મુહૂર્તના સમયમાં તમામ જગ્યાઓ પર હોળી પ્રગટાવવામાં આવી છે અને તમામ જગ્યાએ લોકો દર્શન કરવા અને પૂજા કરવા માટે આવી રહ્યા છે.


[[$googlead]]

પાલજમાં 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવાઈ

ગાંધીનગરના પાલજમાં 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવાઈ છે. 15 દિવસ પહેલાથી જ પાલજ ગામમાં હોળીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. ગામના લોકો મોટા પ્રમાણમાં ભેગા થઈને સાથે મળીને આ હોળીનું આયોજન કરે છે અને આસપાસના ગામના સહિત દૂર દુરથી લોકો હોળી જોવા માટે આવે છે. ગામના લોકોને સાદ દઈને બોલાવાનો રિવાજ છે. હોળીના દિવસે પાલજમાં ઘરે ઘરે લાડવા બનાવવાનો પણ રિવાજ છે. લોકો ઘરે ઘરે લાડવા બનાવીને ઉજવણી કરે છે.

[[$alsoread]]

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે હોળીકા દહનમાં લીધો ભાગ

આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ હોળીકા દહનમાં ભાગ લીધો છે. મુખ્યપ્રધાને થલતેજમાં હોળીકા દહનમાં ભાગ લીધો છે. તમને જણાવી દઈએ કે અહીં ગાયના છાણમાંથી વૈદિક હોળી તૈયાર કરવામાં આવી છે. થલતેજ ખાતે શાસ્ત્રોક્ત વિધિથી હોળીકા દહન થયું છે અને તેમાં ભાગ લેવા માટે મુખ્યપ્રધાન પહોંચ્યા છે.

શક્તિપીઠ પાવાગઢમાં પરંપરાગત હોળી પ્રગટાવવામાં આવી

ત્યારે શક્તિપીઠ પાવાગઢમાં પણ પરંપરાગત હોળી પ્રગટાવવામાં આવી છે. ધાર્મિક વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે હોળીકા દહન કરવામાં આવ્યું છે. પાવાગઢ ખાતે હોળી પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. પાવાગઢમાં હોળી પ્રગટાવ્યા બાદ જ આસપાસના ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે. પાવાગઢના પ્રવેશદ્વાર પાસે પરંપરાગત હોળીકા દહન કરવામાં આવે છે. આ હોળીકા દહનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.

વડોદરાના માંજલપુરમાં સૌથી મોટું હોળીકા દહન

વડોદરાના માંજલપુરમાં પણ સૌથી મોટું હોળીકા દહન કરવામાં આવ્યું છે. અંદાજિત 150 વર્ષથી હોળી પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રોક્ત વિધિથી 30 ફૂટ ઉંચી હોળીનું દહન કરવામાં આવ્યું છે. ભક્તો દ્વારા ધાણી, ચણા, અબીલ ગુલાલથી પૂજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે.  

  • Follow us on: