• ધાણી-ખજૂરની મિજબાની સાથે ઘેરૈયાઓ એકબીજાને રંગ છાંટી મહાત્મ્યને ઉજાળશે

  • સોમવારે રંગોના પર્વ ધુળેટીના ઉત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે
  • સોમવારે ધૂળેટીના પર્વની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવનાર છે

હોળી અને ધૂળેટીના પર્વની ધૂમ વચ્ચે રવિવારે ફાગણી પૂનમનો ઉત્સવ ઉજવાશે. આ દિવસે સાંજે હોલિકા દહન કરી તેનું પૂજન અને દર્શન કરાશે. આણંદ જિલ્લામાં અનેક સ્થળોએ હોલિકા દહનનું આયોજન કરાયું છે. જેમાં બેઠક મંદિર સામે, લોટીયા ભાગોળ, સાંઈબાબા મંદિર વિસ્તારમાં તેમજ વિદ્યાનગરમાં મોટા બજાર સહિત જિલ્લામાં રવિવારે સાંજે હોલિકા દહન કરી તેનું પૂજન કરવામાં આવશે. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક સમા આ પર્વની ઉજવણી માટે જિલ્લાભરમાં તૈયારી કરવામાં આવી છે. જ્યારે સોમવારે ધૂળેટીના પર્વની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવનાર છે.

હોળી પ્રજવલિત કરવા પાછળ ધાર્મિક ભાવના પણ રહેલી છે. પ્રજવલિત હોળીને ફરતે જળાભિષેક કરી તેની પરિક્રમા કરવામાં આવે છે. શ્રાધ્ધાભેર શ્રીફળની આહુતિ આપી ધાણી, ચણા,ખજૂરની પ્રસાદી અર્પણ કરીને મંગલ કામના અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ વખતે રવિવારે ફાગણી પૂનમ છે. જેની સાંજે વર્ષોની પરંપરા મુજબ હોલિકા દહન કરી તેનું પૂજન કરવામાં આવશે. જિલ્લામાં રહેણાંક વિસ્તારો ઉપરાંત જાહેર સ્થળોએ હોલિકા દહન માટે લાકડાં અને છાણાના ઢગલાં કરવામાં આવ્યા છે. આણંદના સાઈ મંદિરમાં સાંજે 7.35 વાગ્યે હોલિકા દહનનું આયોજન કરાયું છે. શ્રાધ્ધાળુઓએ પણ હોળી પૂજન માટે અબીલ, ગુલાલ સહિત પૂજાપાની વસ્તુઓની ખરીદી કરવા માંડી છે. આજે સવારથી આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ બજારોમાં ધાણી, ચણા, ખજૂર, હાઈડા, અબીલ, ગુલાલ જેવા રંગોની ખરીદી માટે લોકો ઉમટયા હતા. હજુ રવિવારે પણ આ ખરીદીનો દોર ચાલશે.


  • Follow us on: