- શાલીગ્રામ શિલા પર લોખંડની છીણી અને હથોડીનો ઉપયોગ કરવા સામે પ્રતિબંધ
- નેપાળની કાલી ગંડકી નદીમાંથી આ બે ભારે ભરખમ શાલીગ્રામ શિલા લવાઈ
- લોકો પોતાના આરાધ્યનો આકાર બનવા જઇ રહેલી આ શિલાઓના દર્શન કરીને ધન્ય બન્યા
અયોધ્યામાં નિર્માણાધીન ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં રામલલાની મૂર્તિના નિર્માણ માટે નેપાળથી શાલીગ્રામ શિલા લાવવામાં આવી છે. આ શિલાઓ નેપાળની કાલી ગંડકી નદીમાંથી લવાઇ છે. કહેવાય છે કે લગભગ 6 કરોડ વર્ષ જૂની આ શિલાઓમાંથી જ રામલલાની મૂર્તિનું નિર્માણ કરાશે પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે આ શિલાઓ પર લોખંડના સાધનોનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે. એટલે કે છીણી અને હથોડીના ઉપયોગ વડે મૂર્તિનું નિર્માણ નહીં કરાવાય. તો સવાલ એ ઊઠે છે કે આવી ભારે ભરખમ શિલામાંથી કઇ વસ્તુનો ઉપયોગ કરીને રામલલાની મૂર્તિ તૈયાર કરાશે?
નેપાળથી લવાઈ છે આ શાલીગ્રામ શિલાઓ । ગત 26 જાન્યુઆરીના રોજ નેપાળમાં આ શિલા ટ્રકમાં લદાઇ હતી. આ શિલાઓને ટેક્નિકલ નિષ્ણાતોની દેખરેખ હેઠળ ચાર ક્રેનની મદદથી ઉતારવામાં આવી હતી. આ શિલા ગત એક ફેબ્રુઆરીના રોજ અયોધ્યા પહોંચી હતી. તેના બીજા દિવસે વૈદિક મંત્રોચ્ચારની સાથે આ દેવશિલાઓની પૂજા કરાઇ હતી અને ત્યારબાદ તેને રામમંદિર સમિતિને સોંપી દેવાઇ હતી. નેપાળથી અયોધ્યાના રસ્તે આ દેવશિલાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઊમટી હતી. લોકો પોતાના આરાધ્યનો આકાર બનવા જઇ રહેલી આ શિલાઓના દર્શન કરીને ધન્ય બન્યા હતા.










