ઈડરમાં છેલ્લા કેટલાક દિવસોથી સરકાર ટેકાના ભાવે નોંધાયેલ ખેડુતો પાસેથી મગફળી ખરીદી કરી રહી છે ત્યારે કેટલાક વેપારીઓ લોભની લાલચમાં આવીને કેટલાક ખેડૂતો પાસેથી તેમના ઉતારા લઈ મગફળી ખુલ્લા બજારમાં વેચી રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે. જોકે તેમાં કેટલુ તથ્ય છે તે તપાસ કર્યા બાદ જાણી શકાશે.
આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લામાં ઈડર સહિત રાજ્યભરમાં રાજ્ય સરકાર દ્રારા ટેકાનાભાવે મગફળીની ખરીદી માટે ખેડૂતોએ અગાઉથી ઓનલાઈન નોંધણી કરાવી છે તેવા ખેડૂતો પાસેથી મગફળી ખરીદ કેન્દ્રના માધ્યમથી ખરીદી કરાઈ રહી છે. દરમિયાન ઈડરમાં ચાલતા મગફળી ખરીદ કેન્દ્ર માટે કેટલાક ખેડૂતોને વેપારીઓ મામૂલી રકમ આપીને તેમના જમીનના ઉતારા લઈને વેપારીઓએ અગાઉ ખરીદી કરેલ ઓછા ભાવની મગફળી ખરીદ કેન્દ્રોમાં વેચી રહ્યા હોવાની બુમરાણ ઉઠવા પામી છે.










