• રખડતાં ઢોર મુદ્દે કન્ટેમ્પ્ટ પિટિશનમાં ઢોર માલિકો, પશુપાલકોને ચેતવણી

  • એકબાજુ ઢોર લઈ ગયાની ફરિયાદ કરો છો, બીજી બાજુ જાહેરમાં દેખાવો
  • પશુઓના મૃતદેહોના નિકાલ સંબંધિત બાબતોમાં યોગ્ય કાળજી રાખવા હાઇકોર્ટની તાકીદ

રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટની ખંડપીઠે આજે ફરી એકવાર ઢોરમાલિકો અને પશુપાલકોને કડક ચેતવણી આપી છે કે, ઢોર અંકુશ નીતિની અમલવારીમાં તમે અડચણરૂપ ના બનશો, અન્યથા કોર્ટ આ વાત સાંખી નહી લે. ખંડપીઠે ગોપાલક સમુદાયને સાફ્ શબ્દોમાં સુણાવ્યું કે, તમે એકબાજુ અમ્યુકો તમારા ઢોર ખોટી રીતે લઇ જાય છે સહિતની ફરિયાદો લઇને હાઇકોર્ટ સમક્ષ આવો છો ને બીજીબાજુ, જાહેરમાં દેખાવો અને આંદોલન કરી ઢોર અંકુશ નીતિની અમલવારીમાં અડચણો પેદા કરો છો અને આક્રોશ દેખાડો છો. તો પછી તમે ત્યાં જ જાઓ હાઇકોર્ટ સમક્ષ ના આવશો. હાઇકોર્ટે કહ્યું કે, ઢોર અંકુશ નીતિની અમલવારીમાં આ પ્રકારના અંતરાય કે અવરોધ કોઇપણ રીતે યોગ્ય નથી. હાઇકોર્ટે ઢોરમાલિકો-પશુપાલકોના બેવડા ધોરણો પરત્વે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી.

હાઇકોર્ટે ઢોર માલિકો અને પશુપાલકોને સાનમાં સમજાવતાં જણાવ્યું કે, એકબાજુ તમે અહીં રજૂઆત કરવા આવો છો અને બીજીબાજુ, બહાર જાહેરમાં દેખાવો-આંદોલનો કરી આક્રોશ વ્યકત કરો છે. આમ કરી તમે ઢોર અંકુશ નીતિની અમલવારીમાં અડચણો-અંતરાય ઉભા કરી રહ્યા છો તે ચાલશે નહી. તમે અમ્યુકોના ઢોરવાડાને બ્લોક કરો છો ને દેખાવો કરો છો અને વિરોધ પ્રદર્શનની વાતો કરો છો ને બીજીબાજુ, હાઇકોર્ટની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરો છો. આ પ્રકારનું વિરોધાભાસી વલણ ચાલશે નહી. આ પ્રકારની પ્રવૃત્તિને અમે સાંખી નહી લઇએ અને ચાલવા નહી દઇએ. જેથી અમ્યુકોના વકીલે તરત જ ઉભા થઇને હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, પશુપાલકોના આક્ષેપો પાયાવિહોણા અને વાહિયાત છે. કોર્પોરેશન માત્ર કાયદાનુસાર જ કામગીરી કરી રહ્યું છે. ઉલ્ટાનું ઢોરમાલિકો-પશુપાલકો દ્વારા તેમના કર્મચારીઓ-અધિકારીઓને હુમલાના ભોગ બનાવાય છે અને ઢોરવાડા બ્લોક કરી દેખાવો કરી ઢોર અંકુશ નીતિની અમલવારીમાં બહુ ગંભીર અંતરાયો અને અડચણો પેદા કરી રહ્યા છે. જેથી હાઇકોર્ટે ઢોરમાલિકો-પશુ પાલકોને આમ નહી કરવા અને ઢોર અંકુશ નીતિની અમલવારીમાં કોઇપણ પ્રકારની અડચણ કે અંતરાય પેદા નહી કરવા કડક તાકીદ કરી હતી. રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દાઓને લઇ એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં આ અગાઉ નડિયાદ ખાતે મળી આવેલા મૃત પશુઓના કંકાલ પ્રકરણમાં સરકાર તરફ્થી રજૂ થયેલા સોંગદનામા પરત્વે હાઇકોર્ટે સંતોષ વ્યકત કર્યો હતો પરંતુ સાથે સાથે ભવિષ્યમાં પશુઓના મૃતદેહોના નિકાલથી લઇ સંબંધિત તમામ બાબતોમાં યોગ્ય કાળજી રાખવાની હાઇકોર્ટે ખાસ તાકીદ કરી હતી.

ટ્રાફ્કિનો પ્રશ્ન પણ ખતરાની ઘંટડી સમાન છે : હાઇકોર્ટમાં નવી રિટ અરજી

અમદાવાદ શહેરમાં ટ્રાફ્કિની ગંભીર અને જટિલ બનતી સમસ્યા તેમ જ વધતા જતાં અકસ્માતો અને નિર્દોષ નાગરિકોના મોતને લઇ એડવોકેટ અમિત પંચાલ દ્વારા નવી અરજી હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે આ અરજી સંદર્ભે જરૂરી સોગદંનામું રજૂ કરવા રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે સરકારપક્ષ અને સંબંધિત સત્તાવાળાઓને માર્મિક ટકોર કરી હતી કે, અમદાવાદ શહેરમાં ટ્રાફ્કિ સમસ્યા એ બહુ ગંભીર પ્રશ્ન છે અને ખરેખર તો તે ખતરાની ઘંટડી સમાન ચેતવણીરૂપ છે. નવી અરજીમાં જણાવાયું હતું કે, અમદાવાદમાં ટ્રાફ્કિની સમસ્યા બહુ વિકટ બની ગઇ છે અને હવે તેના કારણે બહુ ગંભીર અને જીવલેણ અકસ્માતો પણ વધી ગયા છે.


  • Follow us on: