રાજયના ખેડૂતો માટે સતત ચિંતિત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો તેમની ઉપજને બચાવીને પોષણક્ષમ સારા ભાવ મેળવી શકે તે માટે સચોટ પ્રયાસો કરવામાં આવે છે. પાકોનું વાવેતર, વાવણી પહેલા, વાવણી પછી, રોગ નિયંત્રણો અંગે જરૂરિયાત મુજબ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવતી હોય છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા ખેડૂતોએ ચણાનું વાવેતર કરેલું છે. ચણાના ઊભા પાકમાં લીલી ઈયળ જોવા મળી રહી છે. આ ઈયળોના સંકલિત વ્યવસ્થાપન માટે જિલ્લા ખેતીવાડી અધિકારી,જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર દ્વારા ખેડૂતોએ વાવણી બાદ લેવાનાં થતા જરૂરી પગલાંઓ વિશે માર્ગદર્શિક જાહેર કરી છે.


ઈયળો પડે પાકમાં તો કરો આ કામ

આ માર્ગદર્શિકા મુજબ, લીલી ઇયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ ૫ દિવસે હેક્ટર દીઠ ૨૦ ફેરોમેન ટ્રેપ છોડથી ૧ ફૂટ ઉંચાઈએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી. ખેતરમાં વીધે દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવવા અથવા જ્યાં લાઈટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક ૧ થી ૨ ટીપા નાખવા. જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફુંદીઓ પાણીમાં પડતા નાશ પામશે.

આ પદ્ધતિનો ઉપયોગ કરીને પાકને બચાવો

પક્ષીઓને ઈયળ શોધવામાં સરળતા રહે, તે માટે ઉભા પાકમાં અંગ્રેજી ટી (T) આકારના પક્ષીઓને બેસવાના ટેકા હેકટરે ૪૦-૫૦ ની સંખ્યામાં છોડથી ૩ ફૂટ ઉંચાઇએ મુકવા. લીંબોળીનાં મીંજનું ૫ ટકા દ્રાવણ (૫૦૦ ગ્રામ મીંજનો પાવડર ૧૦ લિટર પાણીમાં) નાં ર થી ૩ છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે. લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિ.લિ.(પ ઇસી) અથવા નફ્ફટીયાના પાનનો ૫૦૦ ગ્રામનો અથવા અરડૂસીના પાનનો ૫૦૦ ગ્રામ અર્ક ૧૦ લિટર પાણીમાં ભેળવી ૨ થી ૩ છંટકાવ કરવા. લીલી ઈયળના જૈવિક નિયંત્રણ માટે બેસીલસ થુરીન્જીન્સીસ ૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના ૧ ડબલ્યુપી ૪૦ ગ્રામ પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા એક હેક્ટર માટે ૨૫૦ રોગીષ્ટ ઈયળનું દ્રાવણ (એન.પી.વી.) બનાવી ૫૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

દવાનો છંટકાવ કરતી વખતે કાળજી જરૂરી

વધુમાં જરૂરીયાત જણાયેથી લીલી ઈયળના રાસાયણિક નિયંત્રણ માટે છોડમાં ૫૦ ટકા ફુલ બેસવાની અવસ્થાએ અને ત્યાર બાદ ૧૫ દિવસે કિવનાલફોસ ૨૦ મિ.લિ. અથવા ફલુબેન્ડીયામાઈડ ૨ મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧.૫ મિ.લિ. અથવા ઈમામેકટીન બેન્જોએટ ૨ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છાંટવી. પાણીની અછતવાળા વિસ્તારમાં ચણાના પાકમાં કિવનાલફોસ ૧.૫ ટકા ભુકી દવા હેકટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છાંટવાથી સારૂ પરિણામ મળે છે. વધુમાં, દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.

અધિકારીનો કરી શકાશે સંપર્ક

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.

  • Follow us on: