- 4,90,89,765 થયાં ગત ચૂંટણી 2017ની સરખામણીએ આ વખતે 55,42,890 વધુ મતદારો
- પાંચ વર્ષમાં મહિલા મતદારો 28.76 લાખ જ્યારે પુરુષ મતદારો 26.65 લાખ વધ્યાં
- ટકાવારીની દૃષ્ટિએ મતદારોની સંખ્યામાં 415 ટકાનો ઉમેરો થયો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે વર્ષ-2017ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ આ વખતે નવા 55,42,890 યુવા મતદારોનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારે મુંબઈ વિધાનસભામાં રહેલાં ગુજરાતના 132 ધારાસભ્યોને સમાવી ગુજરાતની પ્રથમ વિધાનસભા રચવામાં આવી હતી. જે પછી પહેલી ચૂંટણી 1962માં થઈ હતી.
વર્ષ-1962માં નોંધાયેલા મતદારોની સરખામણી વર્ષ-2022ના મતદારો સાથે કરવામાં આવે તો સંખ્યાની દૃષ્ટિએ 3,95,54,791 મતદારોનો વધારો અને ટકાવારીની દૃષ્ટિએ મતદારોની સંખ્યામા 407.35 ટકાનો ઉમેરો થયો છે. ગુજરાતમાં વર્ષ-1962માં કુલ મતદારોની સંખ્યા 95,34,974 હતી જે વર્ષ-2022માં વધીને 4,90,89,765 થઈ ગઈ છે.
વર્ષ-2022માં યોજાનાર ચૂંટણી પછી ગુજરાતની પંદરમી વિધાનસભા રચાશે. શરૂઆતના તબક્કે વર્ષ-1962થી વર્ષ-1967 સુધીના 5 વર્ષમાં નવા 11.59 લાખ મતદારો ઉમેરાયા હતા. એ પછી વર્ષ-1967થી વર્ષ-1972 દરમિયાન 18.12 લાખ, વર્ષ-1972થી વર્ષ-1975 દરમિયાન 14.73 લાખ અને એ પછી ઝડપથી વધારો થયો હતો. વર્ષ-1975થી વર્ષ-1980 દરમિયાન સીધા 25.19 લાખ મતદારો વધ્યા હતા. ત્યારબાદ ચોંકાવનારો સમયગાળો વર્ષ-1980થી 1985નો આવ્યો હતો. આ પાંચ વર્ષ દરમિયાન મતદારો વધવાના બદલે 11.37 લાખનો ઘટાડો જોવા મળ્યો હતો. આવી જ રીતે વર્ષ-1995થી વર્ષ-1998 દરમિયાનના ત્રણ વર્ષમાં પણ 2.46 લાખ મતદારો ઘટી ગયા હતા. સૌથી વધુ વર્ષ-1985થી વર્ષ-1990 દરમિયાન 94.56 લાખનો ઉછાળો જોવા મળ્યો હતો.
55.42 લાખ યુવા મતદારોએ માત્ર ભાજપનું જ શાસન જોયું
ગુજરાતની આગામી ચૂંટણીમાં નવા ઉમેરાયેલા 55,42,890 યુવા મતદારોએ ગુજરાતમાં ભાજપનું જ શાસન જોયું છે. કારણ કે, ગુજરાતમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી શાસન પર બિરાજમાન છે. એટલે કે, આ યુવા મતદારોના જન્મ થયો એ પહેલેથી જ મ્ત્નઁનુ શાસન છે.
60 વર્ષમાં બે તબક્કા એવા આવ્યા કે જેમાં મતદાર ઘટયાં
ગુજરાતમાં વર્ષ-1962થી લઈને અત્યાર સુધીના કુલ 60 વર્ષના સમય ગાળામાં બે તબક્કા એવા આવ્યા છે કે જેમાં મતદારોની સંખ્યામાં ઘટાડો થયો હતો. વર્ષ-1980માં ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 1,65,01,328 હતી જે વર્ષ-1985માં ઘટીને 1,53,63,762 થઈ. આમ આ 5 વર્ષમાં 11,37,566 મતદારો ઘટયાં હતા. આવી જ રીતે વર્ષ-1995માં કુલ મતદાર 2,90,21,184 હતા જે વર્ષ-1998માં ઘટીને 2,87,74,443 થઈ ગયાં હતા. આમ આ ત્રણ વર્ષમાં ગુજરાતના મતદારોની સંખ્યામાં 2,46,741નો ઘટાડો થયો હતો.
વર્ષ-1985થી 1990 દરમિયાન સૌથી વધુ 94.56 લાખ જેટલા મતદારો વધ્યા
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં 55,42,890નો વધારો થયો છે. છેલ્લા 60 વર્ષમાં અને કુલ 14 વિધાનસભામાં સૌથી વધુ વર્ષ-1985થી 1990 સુધીના 5 વર્ષમાં નવા 94,56,617 મતદારોનો ઉમેરો થયો હતો. જે અત્યાર સુધીના રેકોર્ડબ્રેક મતદારોનો ઉછાળો હતો.