- નબીરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્કોર્પિયો કાર અને સોનાના ઘરેણા પહેરી રિલસ બનાવી
- આ રિલ્સ જોઈને ચાર જેટલા લોકોએ યુવક પાસે વધુ પૈસા હોવાનું અનુમાન લગાડી તેની રેકી કરી અપહરણ કર્યુ
- બેભાન થવાનું ઇન્જેક્શન આપી તેની પાસે રહેલા 50,000 રૂપિયાની લૂંટ ચલાવી
અમદાવાદ જિલ્લાના લીલાપુર ગામના યુવક યુવરાજસિંહ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમની સ્કોર્પિયો ગાડી લઈ તે લીલાપુરથી હરિપુર ગામ તરફ જતા હતા. ત્યારે ત્રણ અજાણ્યા લોકોએ પરબડી જતા રોડ પર યુવરાજસિંહની સ્કોર્પિયો કાર ઉભી રખાવી લિફ્ટ માંગી હતી. જે બાદ ત્રણેય લોકોએ યુવરાજસિંહનું અપહરણ કરી તેની સાથે ઝપાઝપી કરી હતી. એટલું જ નહિ યુવરાજસિંહને બેભાન કરવા માટે નશાકારક ઇન્જેક્શન પણ આપ્યું હતું.
અપહરણ કરીને બેભાન કર્યો
યુવરાજસિંહના હાથ પગ અને આંખ પર લૂંગી બાંધી દઈ તેને લીલાપુરથી નળસરોવર રોડ ઉપર અલગ અલગ જગ્યાએ લઈ ગયા હતા અને તેની પાસે રહેલા 50,000 રૂપિયાની પણ લૂંટ ચલાવી હતી. જોકે બાદમાં ત્રણેય વ્યક્તિઓ યુવરાજસિંહને તેની જ કારમાં બાંધી અને નાસી છૂટ્યા હતા. થોડા સમય બાદ યુવરાજસિંહ ભાનમાં આવતા તેને પરિવારને ફોન કરી જાણ કરી હતી જે બાદ યુવરાજસિંહની ફરિયાદના આધારે સાણંદ જીઆઇડીસી પોલીસ તેમજ અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો છે.
રૂપિયાની તંગી આવતા અપહરણ કર્યુ
પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય એરોપીઓએ યુવકના પિતા પાસે 20 લાખની ખંડણી માંગવાનો પ્લાન પણ બનાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.યુવરાજસિંહની ફરિયાદના આધારે પોલીસે લીલાપુર ગામનો જ વતની ભરત ચુડાસમા તેમજ આગ્રાના સુમિત જાટવ અને રાજસ્થાનનો વિકાસદીપસિંગ ઘાલિવાલની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી ભરત ચુડાસમા લીલાપુર ગામનો જ વતની છે.અને તે ફરિયાદી યુવરાજસિંહને સારી રીતે ઓળખે છે. તેમજ યુવરાજસિંહ પૈસાદાર વ્યક્તિ હોવાનું તે જાણતો હતો. આરોપી ભરત ચુડાસમાને પૈસાની જરૂરિયાત હોવાથી તેણે તેના મિત્ર સુમિતને પૈસાની તંગી વિશે જણાવ્યું હતું અને બાદમાં યુવરાજસિંહની રીલસ ઉપરથી તેની પાસે પૈસા હોવાનું પણ અનુમાન લગાવ્યું હતું.
અન્ય આરોપીને મદદ માટે બોલાવ્યા
સુમિતે બહારથી રણજીત અને વિકાસદીપસિંહ નામના પરિચિત બે લોકોને મદદ માટે બોલાવ્યા હતા અને દસ દિવસ પહેલા અમદાવાદની હોટલમાં તેમને આશરો આપ્યો હતો. જે બાદ યુવરાજસિંહ દર રવિવારે મંદિરે દર્શન કરવા જતો હોવાનો માલુમ પડતા તેની રેકી કરવામાં આવી હતી. બાદમાં ચારેય આરોપીઓએ ભેગા મળી સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપવો તેનો પ્લાન બનાવ્યો હતો, જેમાં બહારથી આવેલા બંને આરોપીઓએ બેભાન કરવા માટેના ઇન્જેક્શન મેળવી આપવા જણાવ્યું હતું.
રાજસ્થાનથી ઈંજેકશન મંગાવ્યા
જેથી રાજસ્થાનથી બેભાન કરવા માટેના ઇન્જેક્શન મંગાવવામાં આવ્યા હતા. જે બાદ ભરત ચુડાસમા સિવાયના ત્રણેય આરોપીઓએ ભેગા મળી પરબડી રોડ પર યુંવરાજસિંહ નીકળતા હતા ત્યારે લિફ્ટ આપવાનું કહી તેમની ગાડીમાં પ્રવેશ્યા હતા અને તેમને બેભાન થવાનું ઇન્જેક્શન આપ્યું હતું, પરંતુ તાત્કાલિક યુવરાજસિંહ બેભાન નહીં થતાં.. આરોપીઓએ ભરતને ફોન દ્વારા જાણ કરી હતી અને ભરત તાત્કાલિક દુકાનમાંથી સેલોટેપ તેમજ લૂંગી ખરીદી ત્રણેય આરોપીઓ પાસે પહોંચ્યો હતો અને યુવરાજસિંહને હાથ પગ તેમજ મોઢે સેલોટેપ અને લૂંગીથી બાંધી દીધા હતા. જોકે યુવરાજસિંહ તાત્કાલિક બેભાન ન થતા ચારેય આરોપીઓએ કારમાં રહેલા 50000 રૂપિયા ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.
અપહરણ બાદ ફરિયાદીના પિતા પાસે ખંડણી માંગી
પોલીસ દ્વારા આરોપીઓને વધુ પૂછપરછ અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ચારે આરોપીઓએ યુવરાજસિંહ અપહરણ કરી જે બાદ તેના પિતા પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો પણ પ્લાન બનાવ્યો હતો. જોકે યુવરાજસિંહ તાત્કાલિક બેભાન નહીં થતા આ પ્લાન નિષ્ફળ ગયો હતો. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી સુમિત વિરુદ્ધ આગ્રામાં બળાત્કારનો એક કેસ નોંધાયો હતો જેમાં તે જેલની સજા પણ કાપી ચૂક્યો છે. હાલ તો પોલીસે યુવરાજસિંહની ફરિયાદના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે જ્યારે વધુ એક આરોપી રણજીત પોલીસ પકડથી દૂર છે.









