અમદાવાદ શહેરમાં હાલ કાશ્મીરથી સફરજન ભરીને 15 જેટલી ટ્રકોની આવક નરોડા ફ્રુટ માર્કેટમાં છે. હોલસેલમાં 100 રૂપિયે કિલોના ભાવે ઉતરતા સફરજન હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં છુટક બજારમાં 150 થી 180 સુધીના કિલોના ભાવે વેચાઇ રહ્યા છે.
વેપારીઓના જણાવ્યા મુજબ આગામી જાન્યુઆરીના અંત ભાગ સુધી આવકો ચાલુ રહેશે. જેના કારણે આગામી દિવસોમાં શહેરીજનોને ઘટેલા ભાવે સફરજન ખાવા મળશે. ગત ઓગષ્ટ માસમાં હિમાચલ પ્રદેશમાંથી સફરજનોની આવક બંધ થઇ ગયા બાદ તે સમયે 80 થી 100 રૂપિયે મળતા સફરજન હાલ મોંઘાભાવે શહેરીજનોને ખરીદવાની નોબત આવી છે.
ફ્રૂટ માર્કેટના વેપારીઓનાં જણાવ્યા મુજબ હિમલચલપ્રદેશથી રોજની પાંચ ટ્રક સફરજનભરીને આવતી હોવાથી ઓગષ્ટમાં રોજની 20 ટ્રકો આવતી હતી. હવે હિમચલનો માલ પુરો થયો હોવાથી માત્ર કાશ્મીરી સફરજનો પર આધાર રાખવો પડે છે. તેના કારણે આ ભાવ વધારો હાલ બજારમાં જોવા મળી રહ્યો છે.
અમદાવાદના બજારમાં ઠલવાતા કાશ્મીરી સફરજન હોલસેલમાં 100 કિલોનો 1,000થી 1,100નો ભાવ બોલાઇ રહ્યો છે. જે છૂટક બજારમાં હાલ કિલોએ જેતે વિસ્તાર અને જરૂરિયાત પ્રમાણે 150થી 180 રૂપિયા સુધીના ભાવે વેચાઇ રહ્યા છે. જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગ માટે હાલ મોંઘાદાટ ભાવે સફરજન ખાવા મુશ્કેલ બન્યું છે. કાશ્મીરમાં આ વર્ષે પ્રતિકુળ હવામાન, ભારે હિમવર્ષ સહિતના કારણોસર 50 ટકા જેટલા સફરજનના પાકને નુકસાની થઇ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જેના કારણે માંગ સામે આવક ઓછી હોવાથી હાલમાં ભાવ વધ્યા છે. જોકે આગામી દિવસોમાં આવકો વધતા ભાવ ઘટવાની આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ અમદાવાદમાં હાલ મહારાષ્ટ્રના નાગપુર, અમરાવતીથી સંતરાની આવક ચાલુ છે. જે હોલસેલમાં 25 થી 30 રૂપિયે કિલોએ વેચાઇ રહ્યા છે.