- 2,510 યુનિટોના બાકી હપ્તાની 8.97 કરોડની સામે 4.92 કરોડની વસૂલાત
- પેનલ્ટીની માફીની યોજના હેઠળ હપ્તાની રકમ ભરવા માટે આજે છેલ્લો દિવસ
- ઔડા આવાસોમાં 31મી માર્ચ પછી હપતાની રકમ ભરનારને પેનલ્ટી લાગુ પડશે
શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા EWSના 2510 યુનિટના બાકી હપતાની 8.97 કરોડ રકમની સામે 4.92 કરોડની 28મી માર્ચ સુધીમાં વસૂલાત કરાઇ છે. ઔડા આવાસોમાં 31મી માર્ચ પછી હપતાની રકમ ભરનારને પેનલ્ટી લાગુ પડશે. હવે પેનલ્ટીની માફીની યોજના હેઠળ હપ્તાની રકમ ભરવા શનિવાર છેલ્લો દિવસ છે. EWS આવાસોના હપ્તાની બાકી રકમ પર 19.50 કરોડ પેનલ્ટી માફીની યોજના પહેલી જાન્યુઆરીથી શરૂ થઈ હતી. આ અંતગર્ત નિર્ણયનગર, ઘાટલોડિયા, સરદારનગર, વેજલપુર, જોધપુર, રાણીપ, વસ્ત્રાપુરમાં મળી કુલ 2,510 યુનિટોની બાકી હપતાની રકમ 31મી માર્ચ સુધીમાં વસૂલવા માટે ખાસ ઝુંબેશ ચાલી રહી છે.
ઔડાના અધિકારીઓએ કહ્યું કે, બાકી હપ્તાની રકમ ભરવા માટે મકાનમાલિકો પાસે ત્રણ મહિનાનો સમય હતો. હવે માત્ર એક જ દિવસ રહ્યો છે. હપ્તાની રકમ પૂરેપૂરી ભરી દેનાર પ્રત્યેક લાભાર્થીને તેના મકાનનો દસ્તાવેજ કરી અપાય છે. તમામ આવાસો પ્રાઇપ લોકેશન પર આવેલા છે. આથી આવાસોના 100 ટકા દસ્તાવેજ થઈ જાય તો ભવિષ્યમાં રિડેવલપમેન્ટનો પણ મકાન માલિકોને લાભ મળી શકે છે. 31મી માર્ચ પછી બાકી હપ્તા ધરાવતા યુનિટને સીલ કરવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ ચુંટણી જાહેર થઇ જતાં હવે કાર્યવાહી થવાની શક્યતા નહિવત છે. ઉલ્લેખયની છે કે, નિર્ણયનગર, ઘાટલોડિયા, સરદારનગર, વેજલપુર, જોધપુર, રાણીપ, વસ્ત્રાપુરમાં મળી કુલ 2,510 યુનિટોની બાકી હપ્તાની રકમ 31મી માર્ચ સુધીમાં વસૂલવા માટે ખાસ ઝુંબેશ ચાલી રહી છે.










