• તાપમાન નીચે ઊતર્યું પણ ગુજરાતમાં રાજકીય ગરમાવો વધ્યો

  • અમદાવાદમાં ગુજરાત અને મહારાષ્ટ્ર RSSની સમન્વય બેઠકનો ધમધમાટ
  • અમિત શાહ અમદાવાદ- ગાંધીનગરમમાં એક સાથે ચાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રેહશે

ડિસેમ્બર મધ્યાતંરે તાપમાનનો પારો ભલે નીચે ઉતરી રહ્યો હોય પરંતુ ત્રણ રાજ્યમાં ભાજપની સરકારો રચાયા બાદ ગુજરાત ભાજપમાં રાજકીય ગરમાવો આવ્યો છે. જેની પાછળ રાષ્ટ્રીય સ્તરના નેતાઓની મુલાકાતો કારણભૂત છે. રાજસ્થાનમાં શુક્રવારે મુખ્યમંત્રી ભજનલાલ શર્માની શપથવિધી બાદ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ અમદાવાદ આવી પહોંચ્યા હતા. તો ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અમદાવાદ- ગાંધીનગરમમાં એક સાથે ચાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે અને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં ડાયમંડ બૂર્સના ઉદ્દઘાટન પ્રસંગે આવી રહ્યા છે.

ભાજપમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષે હાઈકમાન્ડના વ્યુહ મુજબ ગુજરાતમાં સપ્ટેમ્બર- 2021માં અહીં મુખ્યમંત્રી સહિત આખી સરકારને બદલી હતી. એથી RSSમાંથી ભાજપમાં આવેલા આ નેતાનું અમદાવાદમાં હોવુ એ સ્થાનિક ભાજપમાં ચર્ચા વિષય થઈ ઉભર્યો છે. સત્તાવાર સુત્રોનુ કહ્યુ માનિયે તો બી.એલ.સંતોષ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં RSSના પદાધિકારીઓની અમદાવાદમાં યોજનાર એક સમન્વય બેઠકમાં ઉપસ્થિત રહેવા આવ્યા છે. તે સિવાય ખાસ કોઈ પ્રયોજન નથી ! આ તરફ ગૃહમંત્રી અમિત શાહ શનિવારે બપોરે સાણંદના ચાંગોદરથી પસાર થઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થશે. ત્યારબાદ બપોરે બે કલાકે આણંદ સ્થિત વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં વાર્ષિક પદવીદાન સમારોહમાં અને સાંજે અમદાવાદના પાલડીના ટોગોર હોલ મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવમાં હાજર રહેશે. ત્યારબાદ છ કલાકે અમદાવાદ યુરોલોજી એસોસિએશન દ્વારા આયોજીત છઠ્ઠી એડવાન્સમેન્ટ ઈન એન્ડરોલોજી કોફરન્સમાં સામેલ થશે. બાદમાં રવિવારે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન થશે. આમ, પાડોશના બે સમેત દેશના ત્રણ રાજ્યમાં ભાજપની સરકારોની રચના થયાના ત્રણ જ દિવસમાં ગુજરાતમાં ફરીથી મોટા નેતાઓના કાર્યક્રમો અને RSSની સમન્વય બેઠકોના ઘમઘમાટને કારણે અહી સ્થાનિક સ્તરે આગામી લોકસભા ચૂંટણી અને રાજ્ય સરકારના બોર્ડ નિગમોમાં ભાજપમાંથી નિયુક્તિઓને લઈને રાજકીય ગરમી વધી છે.


  • Follow us on: