- શેરના વધેલા ભાવમાં તફાવતની રકમ બારોબાર કાપી લેવાને મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ
- ઝોન સુપરવાઈઝરે ખેડૂતોના ઘરે ઘરે ફરીને હપતામાંથી રૂપિયા કાપી લેવાના ફોર્મ પર સહી કરાવી
- ખેડૂતોએ શેરની કિંમત ચૂકવવા ઇન્કાર કરતા જબરદસ્તી કાપવા નિર્ણય
ચલથાણ સુગર ફેક્ટરીના કારભારીઓના અણઘડ વહીવટને પગલે 16,500 ખેડૂત સભાસદોના માથે 11,000 રૂપિયાનો બાજો પડયો છે. વ્યાજ વગરના અને પરત નહીં કરવા પડે તેવા કરોડો રૂપિયા ભેગા કરવા માટે ચલથાણ સુગરના કારભારીઓએ શેરની ફેસવેલ્યૂ વધારવા માટે નિર્ણય લીધો છે. સુગર ફેક્ટરીના કારભારીઓની અણઆવડતને લીધે ગરીબ અને લાચાર ખેડૂતોએ પોતાના પરસેવાના રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. તાપ-તડકામાં અને રાત-દિવસ આકરી મહેનત કરનારા ખેડૂત સભાસદોના 11,000 રૂપિયા કાપી લેવા સુગરના કારભારીઓએ તખ્તો ગોઠવી દીધો છે. ફેસવેલ્યૂ વધારવા લીધેલા નિર્ણય બાદ ચલથાણ સુગરે 4500 ઉત્પાદક ખેડૂત સભાસદોના જમા રૂપિયામાંથી જ ફરજિયાતપણે 11,000 રૂપિયા કાપી લેવા નિર્ણય લેતા ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. ચલથાણ સુગરના ઝોન સુપરવાઈઝર ખેડૂતોના ઘરે ઘરે ફરીને ફરજિયાતપણે રૂપિયા કાપવાના ચલણ પણ સહી કરાવી રહ્યા છે. ફરજિયાતપણે રૂપિયા કાપવાના ચલણ પર સહી કરાવાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કેટલાક ખેડૂતો ચલણ પર રિમાર્ક લખી રહ્યા છે, કે તેઓના ખાતામાંથી કોઈપણ પ્રકારના રૂપિયા કાપવા નહીં. નહીંતર આગામી દિવસોમાં કાયદાકીય કાર્યવાહી કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્પાદક સભાસદોના રૂપિયા બારોબાર કાપી લેશે. પરંતુ 12000થી વધુ બિનઉત્પાદક સભાસદોના તફાવતના 11,000 રૂપિયા વસૂલવા હાલ ઝોન સુપરવાઈઝરોની ટીમ મેદાનમાં ઊતારવામાં આવી છે. ઝોન લુપરવાઈઝરો બિનઉત્પાદક સભાસદોના પણ ઘરે જઈને વધારેલા શેરમૂલ્યની કિંમત તાત્કાલિક ચૂકવી દેવા જણાવી રહ્યા છે. જો, ચલથાણ સુગર ફેક્ટરીના તઘલખી નિર્ણય સામે ખેડૂતોમાં ભભૂકતો આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલ તો કેટલાક ખેડૂતોએ શેર તફાવતની રકમ નહીં ભરી લડી લેવાનો નિર્ણય લીધો છે.










