- નવા ઓવરબ્રિજના સર્વિસ રોડમાં ગટરની કુંડીઓ
- ન બનતાં વાહનચાલકોને અકસ્માતની ભીતિ
- કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસ રોડનું કામ ગોકળગતીએ ચાલતું હોવાથી શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળે છે
ડાકોર શહેરમાંથી નીકળતા નવા ઓવરબ્રિજની નીચે ઘણા લાંબા સમયથી સર્વિસ રોડ ન બનાવાતાં સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળે છે. નવા ઓવરબ્રિજના સર્વિસ રોડમાં ગટરની કુંડીઓ ન બનતાં વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. તાજેતરમાં નવો સર્વિસ રોડ બનાવવાની કામગીરી ચાલુ કરાઈ છે ત્યાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણીની પાઇપલાઇન તોડી નાખતાં પાણી રોડ પર ફરી વળ્યા હતા.
યાત્રાધામ ડાકોરમાં બસ સ્ટેન્ડથી કાઠીયાવાડી હોટલ આણંદ તરફ્ના સર્વિસ રોડ બનાવવામાં ઈઆવી રહ્યો છે. ડાકોર નગરપાલિકાની ગટર લાઈનની 10 કુંડી આવેલી છે, જે કુંડીને તોડી પાડવામાં આવેલ હોવાથી ગટરની અંદરના પાણી રોડ ઉપર વહી રહ્યા છે. જેથી શહેરીજનોમાં રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. વધુમાં ગટરના પાણી પીવાની પાઇપલાઇનમાં મર્જ થવાથી અંદાજિત 10 સોસાયટીના હજારો રહીશોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે. નગરપાલિકા આ બાબતે કંઈ જ કરવા તૈયાર નથી. કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસ રોડનું કામ ગોકળગતીએ ચાલતું હોવાથી શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળે છે.










