• 15 જૂલાઈથી 15 ઓગસ્ટ વચ્ચે દિલ્હીથી સંગઠન પર્વની જાહેરાત

  • રાણા, ફળદુ પછી ત્રીજાક્રમે પાટિલ સૌથી વધારે સમય માટેના પ્રમુખપદે રહેશે
  • સાંળગપુરમાં વિસ્તૃત કારોબારી બેઠક પછી ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ મુદ્દે અટકળોનો દોર જોરમાં

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટિલના ઉત્તરાધિકારી રાજકીય વર્તુળોમાં ચાલતી જાતભાતની અટકળો વચ્ચે દિલ્હીથી હાઈકમાન્ડ ગમે ત્યારે ચોંકાવનારૂ નામ જાહેર કરી શકે છે. 15મી જૂલાઈથી 15મી ઓગસ્ટ વચ્ચે દિલ્હીથી ભાજપમાં સંગઠન પર્વની જાહેરાત થશે.

જે 60 દિવસ સુધી ચાલશે. એથી, નવા સભ્યોની નોંધણી અને જૂના સદસ્યો સાથે હોદ્દોદારો, પદાધિકારીઓના સંપર્ક અભિયાન સંપન્ન થયા પછી નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે. સાંળગપુરમાં વિસ્તૃત કારોબારી બેઠક પછી ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ મુદ્દે અટકળોનો દોર જોરમાં છે ત્યારે હરિયાણામાં નવા પ્રમુખ તરીકે ધારાસભ્યની નિમણૂંકથી ગુજરાતમાં સાંસદ કે ધારાસભ્યોમાંથી પસંદગી થશે તેવી ચર્ચા છે. તે માટે અસંખ્ય નામો ઉછળી રહ્યા છે. ભાજપને નજીકથી જાણતા નિરીક્ષકોનું કહેવુ છે કે ''આ રાજકીય પક્ષ જે નામની ચર્ચા હોય તેના ઉપર મહોર મારતો નથી. અટકળના અંદાજને નિરસ્ત કરવો, સૌને સ્તબ્ધ કરવા એ હાઈકમાન્ડનું કાયમી વલણ છે. એથી, આ વખતે પણ 20 જૂલાઈ 2020ની જેમ પાટિલના ઉત્તરાધિકારીનું નામ પણ ચોંકાવનારૂ બની રહેશે'' ભાજપમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક સંગઠનોમાં પ્રત્યેક રાજ્યોમાં પ્રમુખ સહિત માળખુ બદલાવને તબક્કે છે. અધિકાંશ રાજ્યોમાં પ્રમુખ- હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થઈ છે.

પરંતુ, તે પૈકી હરિયાણામાં નવા પ્રમુખની નિમણૂંક એ આગામી વિધાનસભા ચૂંટણીને દ્યોતક છે. એમ કહેતા રાજકીય નિરીક્ષકો અને ભાજપના આંતરિક રણનીતિકારોએ ''સંગઠન પર્વ પૂર્ણ ન થાય ત્યાં સુધી નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંકની શક્યતા નહિવત છે'' ઉમેર્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, 9 દિવસ પછી સી.આર.પાટિલ પ્રમુખપદે ચાર વર્ષ પૂર્ણ કરશે. જે પૂર્વકાળમાં રાજેન્દ્રસિંહ રાણાના સાત વર્ષ અને આર.સી.ફળદૂના 6 વર્ષ પછી ત્રીજાક્રમે સૌથી લાંબો સમય બની રહેશે.

ચર્ચામાં OBC, 42 વર્ષમાં પ્રમુખપદે બ્રાહ્મણ, અનુસૂચિત જાતિ કે જનજાતિને તક નથી મળી !

રાજકીય પક્ષમાં સંગઠનના સર્વોચ્ચપદની કમાન એ કોઈનો ચહેરો જોઈને કે પછી જ્ઞાતિ, ક્ષેત્ર, વિશેષ વર્ગ સમુહને ધ્યાને રાખીને સોંપાતી નથી. પડકારો ઝીલે, ચૂંટણી જીતે, સંગઠન વિસ્તારે એ આવડતને આધારે કમાન સોંપવામાં આવતી હોય છે. આવા પરીમાણોની વચ્ચે નવા પ્રદેશ પ્રમુખ તરીકે OBC સમુહમાંથી કોઈ નેતાને તક ઉપલબ્ધ થશે એવી ચર્ચા છે પરંતુ, ગુજરાતમાં ભાજપમાં 42 વર્ષમાં પ્રમુખપદે બ્રાહ્મણ, અનૂસુચિત જનજાતિ- ST કે અનુસૂચિત જાતિ- SC વર્ગમાંથી આવતા નેતાને તક મળી નથી ! એ પણ એક હકીકત છે. એટલુ જ નહિ, 42 વર્ષમાં સૌથી વધુ 23 વર્ષ સૌરાષ્ટ્રના 7 નેતા પ્રમુખપદે રહ્યા છે. ઉત્તર ગુજરાતના બે નેતાઓને આ પદે 9 વર્ષ મળ્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના બે નેતાને 7 વર્ષ મળ્યા છે. આ રીતે જોઈએ તો મધ્ય ગુજરાતના એક પણ નેતાને હજી સુધી સંગઠનનું સર્વોચ્ચપદ મળ્યુ નથી !

  • Follow us on: