• જેસર તાલુકાના જૂના પાદર ગામે વાડી વિસ્તારમાં ઘટના

  • પતિને માથાના ભાગે હથીયારનો જીવલેણ ઘા મારી પત્ની હત્યા કરી નાસી છૂટી હતી
  • ઉક્ત રક્ત રંજીત ઘટનાની જાણ થતા જેસર પોલીસ કાફલો દોડી આવ્યો હતો

જેસર તાલુકાના જુના પાદર ગામે રહેતા યુવકે તાપી પંથકની યુવતી સાથે હજુ દસ દિવસ પૂર્વે જ ફુલહાર કરી તેને ઘરે લઈ આવ્યા બાદ લગ્નજીવન દરમિયાન અવાર નવાર થતા કજીયાના કારણે ગત રાત્રીના પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિને માથાના ભાગે હથીયારનો જીવલેણ ઘા મારી પત્ની હત્યા કરી નાસી છૂટી હતી. ઉક્ત રક્ત રંજીત ઘટનાની જાણ થતા જેસર પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને તજવીજ હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના અને જેસર તાલુકાના જૂના પાદર ગામે વાડી વિસ્તારમાં રહેતા વજુભાઈ જોરૂભાઈ ગોહિલે થોડા દિવસ પૂર્વે ગત તા. 25.01.2024ના રોજ તાપી જિલ્લાના અને ઉચ્છલ તાલુકાના ગવાન ગામના દીપિકાબેન વનસિંગભાઈ વસાવા સાથે ફુલહારથી લગ્ન કર્યા બાદ બન્ને વાડીના મકાને લગ્નજીવન પસાર કરતા હોય દરમિયાન લગ્નજીવનના 10 દિવસમાં અવાર નવાર ઘરકામ બાબતે ઝઘડાઓ અને બોલાચાલી ચાલતી હોય તે વાતનું મનદુઃખ રાખી ગત રાત્રીના 8.00 કલાકના અરસા દરમિયાન દીપિકાબેને ઉશ્કેરાઈ તેના પતિ વજુભાઈ ગોહિલને માથાના ભાગે હથીયારનો જીવલેણ ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટયા હતા. ઉક્ત ઘટનાની જાણ થતા વજુભાઈના ભાઈ સહીતના પરિવારજનો દોડી આવ્યા હતા. તે વેળાએ વાડીમાં જાંબુડાના ઝાડ નીચે ખાટલામાં લોહીથી લથપથ હાલતે વજુભાઈ મળી આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે પ્રાઈવેટ વાહન મારફતે જેસર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. ઉક્ત રક્ત રંજીત ઘટનાના પગલે ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. જ્યારે ઘટનાના પગલે જેસર પોલીસ મથકના પીએસઆઈ મુસાર સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.


  • Follow us on: