પાલનપુરમાં વ્યાજખોરોનો વધુ એક વખત આતંક જોવા મળ્યો. વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડીંગ મટેરિયલના વેપારીએ ફીનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. વ્યાજખોરો દ્વારા વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરાતા આખરે યુવાને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. વેપારીની હાલત અત્યારે ગંભીર છે. બિલ્ડીંગ મટેરિયલના વેપારી મહમદ ઝકીબ નામના શખ્સે ફિનાઈલ પી જતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ

રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો આતંક વધ્યો છે. શહેરમાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી અને ધમકી આપવાના સિલસિલો યથાવત જોવા મળ્યો છે. પાલનપુરના સુખબાગ વિસ્તારમાં રહેતા વેપારીએ આજે ફીનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. વ્યાજખોરો દ્વારા વેપારીના ખાતામાં 1.26 કરોડનું ટ્રાન્જેક્શન કરી ખાતામાંથી ખોટી રીતે નાણાકીય વ્યવહારો કર્યા. વેપારીએ વ્યાજખોરોને 3 લાખની ચૂકવણી કરવાની હતી તેના બદલે 15 લાખ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા. પાલનપુરમાં પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે વેપારીએ પશ્ચિમ પોલી મથકે ફરિયાદ નોંધી.

વ્યાજખોરોનો વધ્યો આતંક

હાલમાં અમદાવાદ પણ વ્યાજખોરોના આતંકના કિસ્સા સામે આવ્યા હતા. જેમાં શહેરના અમરાઈવાડી વિસ્તારમાં વ્યાજખોરો દ્વારા એક વ્યક્તિને માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો. જેનાબાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં યુવકને ઓફિસમાં પુરી માર મારવાની ઘટનામાં 6 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરતા 4 આરોપીની ધરપકડ કરી હતી. શહેરમા અન્ય એક ઘટનામાં જમીન દલાલી કરતા વેપારીએ વ્યાજે રૂપિયા લીધા હતા. વેપારી મહિને 30 ટકા જેટલું વ્યાજ ચૂકવતો હતો છતાં વ્યાજખોરો તરફથી છરો બતાવી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કાયદો વ્યવસ્થાનો નથી વ્યાજખોરોને ડર

વ્યાજખોરો સામે શહેર પોલીસની કડક કાર્યવાહી પછી પણ વ્યાજખોરો સુધારવાનું નામ નથી લઈ રહ્યા. થોડા સમય પહેલા પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી. જોકે છેલ્લા થોડા સમયથી ફરીથી વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી લોકોને હેરાન કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. વ્યાજખોરો દ્વારા ઘાતકી હુમલા કરી ધમકી અપાતા વેપારીઓ અંતે જીવન ટૂંકાવવા જેવા આત્મઘાતી પગલા લેવા મજબૂર થાય છે.

  • Follow us on: