રાજકોટ મહાનગરપાલિકાનાં ફુડ વિભાગની ટીમે કાર્યવાહી હાથધરી છે જેમાં વિવિધ ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. જે વેપારીઓ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જીવન સાથે ચેડાં કરે તે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘણીવાર ફુલ વિભાગના આદેશ છતાં વિક્રેતાઓ સુધરતા નથી અને બગડેલી વસ્તુઓ અથવા તો મિલાવટવાળી વસ્તુઓ આપીને લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકે છે.
રાજકોટમાં મનપાના ફૂડ વિભાગનું ચેકિંગ
રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા સંખ્યાબંધ નમૂના નાપાસ થતાં હતા. ત્યારે ફૂડ વિભાગે વિક્રેતાઓ પર કાર્યવાહી કરી છે. જેમાં 35 કિલો વેજ અને નોનવેજનો અખાદ્ય જથ્થો ઝડપી નાશ કરવામાં આવ્યો છે. લચ્છી સરબત સહિતના પીણાનો પણ નમૂના લઈ નાશ કરાયો છે. શહેરના અલગ અલગ ત્રણે ઝોનમાં આવેલા બે ડઝનથી વધુ ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ વિભાગે મવડી, ભોમેશ્વર, ભગવતીપરા સહિતના સ્થળોએ આવેલા ખાદ્યપદાર્થના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી છે.
અગાઉ ઉત્પાદકો અને વિક્રેતાઓને 3.5 લાખનો દંડ ફટકાર્યો
અગાઉ રાજકોટ ફૂડ વિભાગે લેવાયેલા સંખ્યાબંધ નમૂના નાપાસ થતાં હતા. જેમાં કેળાની વેફર, ગાયનું ઘી, સહિતના નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું હતું. સાથે જ ફૂડ વિભાગે ઉત્પાદકો અને વિક્રેતાઓને 3.5 લાખનો દંડ ફટકાર્યો હતો. સાથે જ ફૂડ વિભાગે ખાણીપીણીમાં કોઈ મિલાવટવાળી વસ્તું કે બગડેલો સામાન નથી તે અંગે તપાસ હાથધરી હતી. આ દરમિયાન 21 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. અખાદ્ય વસ્તુઓ મામલે ચકાસણી હાથ ધરવામાં આવતા અનેક વિક્રેતાઓ પકડાયા હતા અને તેમને ફૂટ વિભાગે આકરો દંડ પણ ફટકાર્યો હતો.
નેન્સી ગૃહ ઉદ્યોગને 70,000નો દંડ ફટકારાયો
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા રાજકોટમાં આવેલા નેન્સી ગૃહ ઉદ્યોગમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યુ હતું. ફૂડ વિભાગની તપાસ દરમિયાન 110 કિલો અખાદ્ય હિંગના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય હિંગ, મરચું પાઉડર, હળદર, જીરૂ, રાઈ, ધાણી, મેથી સહિતના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા જે વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે તેમાંથી 2 નમૂના તપાસમાં ફેલ સાબિત થયા છે જેને લઈને નેન્સી ગૃહ ઉદ્યોગને રૂપિયા 70,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.