- રાજસ્થાનના 6 શખ્સો સામે વન વિભાગે બે ગુન્હા દાખલ કર્યા
- રાતના સમયે 3 સિંહોની પજવણીનો વિડીયો વાયરલ થતા એક્શન
- વન વિભાગે તપાસ કરીને બે અલગ અલગ ગુન્હાઓ દાખલ કર્યા
સાસણમાં રાજસ્થાનના છ જેટલા ઈસમો દ્વારા કારમાં બેસીને સીનસપાટા કરતા હોય અને 3 સિંહ પાછળ કાર ચલાવીને બોનેટ ઉપર બેસી પજવણી કરતા હોવાના વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગે તપાસ કરીને બે અલગ અલગ ગુન્હાઓ દાખલ કર્યા છે, અને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
સીસીએફ આરાધના શાહુએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા સાસણ ગીરના અમુક વિડીયો સામે આવ્યા હતા, જેમાં એક વિડીયોમાં છ શખ્સો નજરે ચડે છે, જયારે બીજા વિડીયોમાં ત્રણ-ચાર શખ્સો કારમાં બેસીને નદીકાંઠે આંટાફેરા મારતા હોય અને બીજા ત્રીજા વિડીયોમાં રાતના સમયે જંગલના રસ્તે ત્રણ સિંહના ગ્રુપ પાછળ કેટલાક ઈસમો કાર ચાલવીને સિંહની અવર જવરને રંજાડ કરતા હોવાનું નજરે ચડ્યું હતું.
જેમાં એક શખ્સ તો કારના બોનેટ ઉપર બેસીને તો બીજો શખ્સ કારની નીચે ઉતરીને ફોટા પડાવતા હોવાના ફોટા મળ્યા હતા, જે અંગે વન વિભાગના સ્ટાફ દ્વારા તપાસ કરીને આ અંગે બે અલગ અલગ ગુન્હા નોધવામાં આવ્યા છે, જેમાં સંડોવાયેલા 6 ઈસમો પૈકી ત્રણ શખ્સો સામે ગેરકાયદે જંગલમાં પ્રવેશ કરવા અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, જયારે બીજા કેસમાં સિંહ પાછળ કાર ચલાવવા બાબતે જયપાલસિંહ ચૌહાણ, રઘુરાજસિંહ ચૌહાણ, રાહુલ રાજપુરોહિત નામના શખ્સો સામે ગુન્હો નોધીને તે ત્રણેયની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરાતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.









