• જંગલ વિસ્તારમાં મહિલાઓ કરે છે બિન્દાસ્ત જોખમી કામગીરી
  • મુખ્ય વન સંરક્ષકની પોસ્ટ ઉપર પણ અધિકારી મહિલા
  • 30 જેટલી સ્થાનિક મહિલાઓને ઇકો ગાઈડ તરીકે કરે છે નોકરી

આંઠમી માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે એશિયાટિક સિંહોના એકમાત્ર રહેઠાણ ગણાતા એવા સાસણ ગીર જંગલમાં આજના સમયમાં કામગીરી કરતા કુલ સ્ટાફમાંથી 10 ટકા મહિલાઓ પુરુષ સમોવડી બનીને જંગલના અંતરિયાળ વિસ્તારમાં બિન્દાસ્ત એકલી ફરીને જોખમી કામગીરી બજાવી રહી છે.

સાસણ ગીરમાં હાલના સમયમાં સિંહ-દિપડાના રેસ્ક્યુથી લઈને ફિલ્ડ વર્કમાં તમામ ક્ષેત્રે મહિલાઓ કામગીરી બજાવી રહી છે, 10 ટકા સ્ટાફ મહિલાઓનો છે. જેમાં સ્થાનિક મહિલાઓને રોજગારી આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા 30 જેટલી સ્થાનિક મહિલાઓને ઇકો ગાઈડ તરીકે નોકરી પર રાખવામાં આવ્યા છે, આ મહિલાઓ ઘરકામની સાથે જંગલમાં અનેક પ્રકારની કામગીરી સાથે દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓને ગાઈડ કરવાનું કામ કરી રહી છે.

તો તાજેતરમાં 2022માં વન વિભાગ દ્વારા બીટગાર્ડની ભરતી કરવામાં આવી જેમાં મોટે ભાગે મહિલાઓનો સમાવેશ થાય છે, આ મહિલાઓ હાલ સાસણ ગીરના વિવિધ વિભાગોમાં ફિલ્ડનું કામ કરે છે, સાથે બીટગાર્ડ તરીકે, ફોરેસ્ટર તરીકે, રેન્જર તરીકે કામગીરી કરે છે, તો અમુક મહિલાઓ રેક્સ્યું સેન્ટરમાં કામ કરી રહી છે. ત્યારે ગીરના મુખ્ય વન સંરક્ષકની પોસ્ટ ઉપર પણ અધિકારી મહિલા ફરજ બજાવી રહ્યા છે. જંગલમાં ફાયર લાઈનથી લઈને મહિલાઓને તાજેતરમાં ચંદનચોર ગેંગને પકડવામાં મોટો સિંહફાળો ભજવ્યો હતો.

મહિલાઓ ખુદની હિમતથી આગળ વધે: બ્લોચ નમીરા

ગીરમાં ઇકો ટુરિસ્ટ ગાઈડ તરીકે ફરજ બજાવતી બ્લોચ નમીરા જણાવે છે કે, આજના યુગમાં મહિલાઓ ઘણી આગળ છે, પણ ઘણા લોકો હજુ એવા કુરિવાજો માં માને છે કે, મહિલાઓ આગળ ન વધી શકે. મહિલાઓ એકલી કામ ન કરી શકે, પરંતુ ખુદની હિમતથી આગળ વધો હારવાનું નથી.

ઘણીવાર કલાકો સુધી જંગલમાં રહેવું પડે છે: સમા મુમતાજ

જૂનાગઢ : સાસણ ગીરમાં ફરજ બજાવતા સમા મુમતાજ જણાવે છે કે, ચોમાસાના સમયમાં કલાકો સુધી ક્યારેક જંગલના અંતરિયાળ વિસ્તારમાં એકલા રહેવું પડે છે, કારણ કે, એકધારો વરસાદ પડવાથી નદી-નાળા છલકાઈ જાય ત્યારે પાણી ઉતરવાની રાહ જોવી પડે છે. છતાં તેઓ હિમત નથી હારતા.

ફરજ સાથે પારિવારિક સંબધો નિભાવવા પડે છે: જોંટવા સોનલ

સાસણ ગીરમાં ફરજ બજાવતા સોનલ જોંટવા જણાવી રહ્યા છે કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવે છે, ત્યારે ક્યારેક એવી પરિસ્થિતિ આવે છે, જેમાં ફરજની સાથે પારિવારિક સબંધો પણ નિભાવવા જરૂરી બની જાય છે. તેનું સમતોલન કરીને તેઓ ફરજ બજાવે છે. મહિલાઓ આ વચ્ચે પણ કામ કરી શકે છે.

આજની મહિલાઓ નિર્બળ નથી, શક્તિનું સ્વરૂપ છે: નયના જેઠવા

ગીરમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા નયના જેઠવા જણાવી રહ્યા છે કે, આજની મહિલાઓ નિર્બળ નથી, એક શક્તિનું સ્વરૂપ છે, નારી તું નારાયણી સૂત્રને સાર્થક કરતી મહિલાઓ કોઇપણ કામ કરી શકે છે, રાત-દિવસ એકલા રહીને પણ તેઓ ગીરમાં કામ કરે છે. મહિલાઓ માટે કોઈ કામ કઠીન નથી.


  • Follow us on: