• ભરાયેલા પાણીથી રોગચાળો વકરવાની દહેશત

  • મને રજૂઆત મળી નથી, ધારાસભ્યને પ્રશ્ન કરાય તો વધુ સારું : જિલ્લા પંચાયત પ્રમુખ
  • સ્થાનિક તંત્ર પણ નિષ્ક્રિય હોવાનો વિપક્ષે આક્ષેપ કરીને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં નીચાણવાળા વિસ્તારો સહિત કેટલાક વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી પાણી નહીં ઉતરતા સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. ભરાયેલા વરસાદી પાણીથી રોગચાળો વકવાની લોકોમાં દહેશત છે ત્યારે સ્થાનિક તંત્ર પણ નિષ્ક્રિય હોવાનો વિપક્ષે આક્ષેપ કરીને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખે કહ્યું કે, મને રજૂઆત મળી નથી. આ અંગે ધારાસભ્યને પ્રશ્ન કરાય તો વધુ સારુ.

વરસાદના ભારેથી અતિભારે વરસાદી ઝાપટાંના લીધે ધોળકામાં નીચાણવાળા વિસ્તારો સહિત કેટલાક વિસ્તારોમાં પાણીનો નિકાલ નહીં થવાથી છેલ્લા પાંચ દિવસથી લોકોને હેરાનગતિ થઇ રહી છે. પાણીના નિકાલ માટે રસ્તો મળતો નથી. મામલતદારો પાસે એકશન પ્લાન નથી. લોકો રામ ભરોસે છે. સ્થાનિકકક્ષાએ પ્રાંતને પણ રજૂઆત કરી હોવા છતાં કોઇ ફરક પડયો નથી. જિલ્લા કલેકટર અને ડીડીઓને પણ ફરિયાદ કરી છે. આમ છતાં નિવારણ આવ્યું નહીં હોવાનું જણાવતા વિપક્ષે કહ્યું કે, જિલ્લા પ્રમુખ પણ ઉદાસીનતા દાખવે છે. જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલાએ કહ્યું કે, મને કોઇ રજૂઆત મળી નથી. આ સમસ્યા અંગે સ્થાનિક ધારાસભ્યને પ્રશ્ન કરાય તો વધુ સારુ. સ્થાનિક પ્રશ્ન અંગે તેમને પણ પુછવું જોઇએ. ધોળકાના જલાલપુર વજીફાગામમાં તો વરસાદી પાણી ભરાયેલા નજરે ચઢે છે. લોકોની હાલત કફોડી છે. આમ છતાં સ્થાનિક જિલ્લા સદસ્ય સહિત તંત્ર હાથ પર હાથ રાખીને બેસી રહ્યું છે.

આસપાસ સોસાયટી બની પણ પાણીના નિકાલનો રસ્તો કરાયો નથી

ધોળકામાં વિકાસના પગલે પાયાની સુવિધાઓને હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. ધોળકામાં પાણી ભરાયેલા કેટલાક વિસ્તારોની ચારેય બાજુ નાની-મોટી સોસાયટીઓ બની ગઇ છે, તો કેટલાક વિસ્તારો નીચાણવાળા થઇ ગયા છે. જેમાં પાણીના નિકાલ માટે રસ્તો નહીં કરાતા ચોમાસામાં વરસાદ બંધ થયા પછી પણ પાંચ દિવસ સુધી પાણી ઓસરતા નથી. જેના લીધે સ્થાનિક લોકોને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.


  • Follow us on: