- ગત મે માસ દરમિયાન હાથ ધરાયેલી વસ્તી ગણતરી મુજબ 14 દીપડાઓનો વસવાટ
- અગાઉ પણ જિલ્લાના ચૂડા અને વઢવાણ તાલુકામાં દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા
- હીરાસરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બનતા દીપડા ગામડાઓ તરફ વળ્યા હોવાનું અનુમાન
સુરેન્દ્રનગર જિલ્લામાં હિંસક પશુ એવા દીપડાનો ખાસ કરીને માંડવવનમાં વસવાટ છે. પરંતુ અમુકવાર દીપડા ગામની સીમમાં નજરે પડે છે. જેના લીધે લોકોમાં ભય ફેલાય છે. ત્યારે ચોટીલા તાલુકાના ઠાંગા પંથકના કાળાસર ગામે દીપડાએ પશુનું મારણ કર્યાનું સામે આવ્યુ છે. મંગળવારના રોજ રાત્રિના સુમારે કાળાસર ગામે માલધારીની વાછરડી દીપડાનો શિકાર બની હતી. ગત મે માસમાં થયેલી વસ્તી ગણતરી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યના વગવગડામાં હાલ 14 દીપડાનો વસવાટ હોવાનું વન વિભાગના ચોપડે નોંધાયેલુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર હિંસક પ્રાણીઓ દેખાય છે. સામાન્ય રીતે વન વિસ્તારમાં દેખાતા હિંસક પ્રાણી એવા દીપડા એ આ વખતે ચોટીલાના ઠાંગા પંથકમાં પશુનું મારણ કરતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. ઝાલાવાડના માંડવવનમાં દીપડાઓનો વસવાટ રહેલો છે. પરંતુ લાંબુ અંતર કાપીને આ દીપડાઓ અગાઉ પણ વઢવાણ અને ચુડા તાલુકામાં નજરે પડયા હતા. અને વન વિભાગને દીપડાના ફુટ પ્રીન્ટ મળી આવ્યા હતા. ત્યારે દીપડાએ ચોટીલા તાલુકામાં પશુનું મારણ કર્યુ છે.
ચોટીલા તાલુકાના ઠાંગા વિસ્તારમાં અવારનવાર દીપડાની રંજાડ જોવા મળે છે. રેશમીયા, રાજપરા, કાળાસર, ખેરડી કે જયાં વીડ વિસ્તાર વધુ આવેલો છે. તેવા સ્થળે દીપડા અવારનવાર નજરે પડે છે. અને કોઈવાર પશુનું મારણ પણ કરે છે. ત્યારે મંગળવારે રાત્રે દીપડાએ કાળાસરના ગોવીંદભાઈ રૂપાભાઈ રબારીના વાડામાં બાંધેલ વાછરડીનું મારણ કર્યુ હતુ. આથી માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. જોકે, વન વિભાગની દ્રષ્ટીએ આ એક સામાન્ય ઘટના છે. અવારનવાર દીપડા આ વિસ્તારમાં નજરે પડતા હોય છે. તેનાથી લોકોને ભયભીત થવાની જરૂર નથી.
દોઢ માસ પહેલાં જ એક દીપડો પાંજરે પુરાયો હતો
જિલ્લા વન વિભાગના મત મુજબ ઠાંગા પંથકમાં દીપડો દેખાવો એ એક રૂટીન બાબત છે. હજુ દોઢ માસ પહેલા જ ચોટીલા તાલુકાના ડાકવડલામાં દીપડો હોવાના સમાચાર મળ્યા હતા. જેમાં પાંજરૂ મુકીને દીપડાને કેદ કરાયો હતો અને બાદમાં તેને થાનના માંડવવન વિસ્તારમાં ખૂલ્લો મુકી દેવાયો હતો.
એરપોર્ટને લીધે દીપડા સીમ તરફ વળ્યા હોવાનું અનુમાન
સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની સરહદે આવેલા હીરાસર ગામે ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યુ છે. આ એરપોર્ટ જયાં આવેલુ છે. તે હીરાસર ગામ પાસે અગાઉ દીપડા નજરે પડતા હતા. ત્યારે એરપોર્ટ બનતા હવાઈજહાજના શોર-બકોર અને એરપોર્ટના રસ્તે વાહનોની અવરજવરના લીધે દીપડાનો સીમ તરફ આવ્યા હોવાનું પણ એક અનુમાન લગાવાઈ રહ્યુ છે.
દીપડો દિવસમાં 20થી 30 કિલોમીટર ફરે છે
વન વિભાગના સુત્રોના જણાવાયા મુજબ દીપડાનો પ્રતિદિન રેંજ વિસ્તાર વિશાળ હોય છે. તે એક દિવસમાં 20થી 30 કિમીનું અંતર કાપે છે. દીપડો એકવાર ભોજન લીધા બાદ અઠવાડીયા સુધી ભોજન ન કરે તો પણ તેને ચાલી શકે તેમ છે અને ખાસ કરીને દીપડો રાતના સમયે જ ફરવાનું પસંદ કરે છે. દિવસના સમયે તે આરામ ફરમાવે છે.
ગત વસ્તી ગણતરીમાં 14 દીપડા નોંધાયા હતા
સુરેન્દ્રનગર ક્ષેત્રીય વન અધિકારી નીકુંજસીંહ પરમારે જણાવ્યુ કે, ગત મે માસની તા.2થી 8 દરમીયાન વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી. જિલ્લામાં જંગલ વિસ્તાર પાંચાળના માંડવ વન અને ઠાંગા વિસ્તારમાં આવેલો છે. વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી માટે ઉંચા લોકેશન પર, પીવાના પાણીની જગ્યાએ, મારણના સ્થળે અંદાજે 25થી વધુ કેમેરા મુકવામાં આવ્યા હતા. આ ઉપરાંત વન વિભાગના કર્મીઓ અને એનજીઓનો સ્ટાફ પણ કેમેરા સાથે તા.2થી 8મે દરમીયાન જંગલમાં ફર્યો હતો. આ ગણતરી દરમીયાન દીપડા, નીલગાય, વરૂ, ઝરખ, લોંકડી, શેઢાળી, કાળીયાર સહીતના પ્રાણીઓ કેમેરામાં કેદ થયા છે. જેમાં એક સ્થળે તો માદા દીપડા સાથે 2 બાળ દીપડા પણ નજરે પડયા હતા. જેમાં 14 દીપડા જિલ્લામાં હોવાનું સામે આવ્યુ હતુ.