• સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઈતિહાસમાં સૌથી વધુ 2,75,347 મતે ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા

  • વર્ષ 2024ના મુકાબલામાં 5 લાખની લીડ મેળવવા માઈક્રો પ્લાનિંગ કરનાર ભાજપ સંગઠનનો હેતુ સફળ થાય છે કે કેમ?
  • વર્ષ 2019માં 7માંથી 6 વિધાનસભા વિસ્તારમાં કોંગ્રસના MLA હતા છતાંય કમળનો દબદબો રહ્યો

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તા. 7મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યુ છે. ત્યારે અગાઉની ચૂંટણીઓ પર નજર કરીએ તો વર્ષ 2019માં યોજાયેલ ચૂંટણીના પરિણામો ભાજપ તરફી રહ્યા હતા. ભાજપના ઉમેદવારને સુરેન્દ્રનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી સાતેય વિધાનસભા વિસ્તારમાંથી લીડ મળી હતી. અને અંતે ભાજપના ઉમેદવારનો 2,75,347 મતની લીડથી વિજય થયો હતો. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર લીડની દ્રષ્ટીએ આ એક રેકોર્ડ છે. વર્ષ 1962થી શરૂ થયેલી સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર આટલી જંગી બહુમતીથી જીત્યા નથી.

સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં ચૂંટણીની શરૂઆત વર્ષ 1962થી થઈ છે. પરંતુ છેલ્લી કેટલીક ટર્મથી આ બેઠક પરની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જ કાંટાની ટક્કર સમાન બની રહી છે. અપક્ષ સહિતના અન્ય પક્ષોના ઉમેદવારોની કાયમ ડીપોઝીટ ડુલ થાય છે. ત્યારે સુરેન્દ્રનગર બેઠક પર અગાઉની ચૂંટણીઓ પર નજર કરીએ તો વર્ષ 2009ની લોકસભા ચૂંટણીના પરિણામો રસપ્રદ રહ્યા હતા. વર્ષ 2009માં કોંગ્રેસમાંથી સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલ અને ભાજપમાંથી લાલજીભાઈ ચતુરભાઈ મેર વચ્ચે ખરાખરીનો જંગ હતો. ત્યારે ચૂંટણી પરિણામો આવતા કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ પટેલનો 4,831 મતે વિજય થયો હતો. જે અત્યાર સુધીની ચૂંટણીઓમાં હાર-જીતનું સૌથી ઓછુ અંતર છે. બીજી તરફ ગત લોકસભા ચૂંટણી 2019ની જો વાત કરીએ તો ભાજપમાંથી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા અને કોંગ્રેસમાંથી સોમાભાઈ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ હતો. જેમાં ભાજપના ઉમેદવારને સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં સમાવીષ્ટ 7 વિધાનસભા બેઠકમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી 5 બેઠકો દસાડા, વઢવાણ, લીંબડી, ચોટીલા અને ધ્રાંગધ્રા તથા અમદાવાદ ગ્રામ્યની વિરમગામ અને ધંધુકા બેઠક સહિત સાતેય વિધાનસભા વિસ્તારોમાં લીડ મળી હતી. મત ગણતરીના અંતે ભાજપના ઉમેદવારને 6,26,957 અને કોંગ્રેસના ઉમેદવારને 3,51,610 મત મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવારનો કુલ 2,75,347ની જંગી લીડ સાથે વિજય થયો હતો. ત્યારે આ વખતે 5 લાખની લીડની ગણતરીએ માઈક્રો પ્લાનીંગ કરનાર ભાજપને કઈ વિધાનસભામાં લીડ મળે છે કે ખાધ તે તેનો ખ્યાલ આગામી તા. 4થી જુનની સાંજે આવી જશે.

વર્ષ 2019માં કોંગ્રેસ પાસે 6 વિધાનસભા બેઠક હોવા છતાં ભાજપને ખોબલે ખોબલે મત મળ્યા હતા

વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવતી લીંબડી, ચોટીલા, પાટડી, ધ્રાંગધ્રા, વિરમગામ અને ધંધૂકા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય હતા. અને માત્ર વઢવાણ વિધાનસભા બેઠક જ ભાજપ પાસે હતી. આ ઉપરાંત જિલ્લાની એક નગરપાલિકા તથા પાંચ તાલુકા પંચાયતો પર પણ કોંગ્રેસનો કબજો હતો. તેમ છતાં વર્ષ 2019માં મતદારોએ ભાજપને ખોબલે અને ધોબલે મત આપ્યા હતા. અને ડો. મહેન્દ્ર મુંજપરાને ઐતિહાસિક લીડથી વિજેતા બનાવ્યા હતા.

25 અપક્ષ ઉમેદવારો સહિત કુલ 29ની ડીપોજિટ ડૂલ થઈ હતી

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કાયમ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જ ખરાખરીનો જંગ હોય છે. ત્યારે વર્ષ 2019ની ચૂંટણીમાં ઐતિહાસિક 31 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યુ હતુ. જેમાં 25 અપક્ષ ઉમેદવારો હતા. અને 6 રાજકીય પક્ષોના પ્રતીક સાથે લડતા ઉમેદવારો હતા. ત્યારે ચૂંટણી પરિણામો આવતા 25 અપક્ષ સહિત 29 ઉમેદવારોની ડીપોઝીટ ડુલ થઈ હતી. અને માત્ર કોંગ્રેસના ઉમેદવાર જ ડીપોઝીટ બચાવી શકયા હતા.


  • Follow us on: