- મેટ્રો કોર્ટમાં દાખલ ચાર્જશીટમાં 65થી વધુ સાક્ષી, 12 આરોપી ભાગેડુ
- એએમસીના કોઈ અધિકારીને આરોપી તરીકે દર્શાવ્યા નથી.
- જાહેર જનતા નાણાંનું રૂ.44 કરોડથી પણ વધુનું નુકસાન પહોંચાડયુ હતુ
શહેરના ખોખરા વિસ્તારમાં ચકચારભર્યા હાટકેશ્વર બ્રિજ નિર્માણમાં ગંભીર ગેરરીતિ અને નબળા બાંધકામના કેસમાં આખરે પોલીસે અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા લિ.ના આરોપી ડાયરેકટરો સહિત દસ આરોપીઓ વિરુદ્ધ તપાસ પૂર્ણ કરી બે હજારથી વધુ પાનાનું ચાર્જશીટ અત્રેની મેટ્રોપોલિટન કોર્ટમાં દાખલ કર્યું છે. જેમાં 65થી વધુ સાક્ષીઓ અને અનેક દસ્તાવેજી પુરાવાઓ દર્શાવ્યા છે. આ કેસમાં 12થી વધુ આરોપીઓ નાસતા ફરતા દર્શાવવામાં આવ્યા છે. જો કે, એએમસીના કોઈ અધિકારીને આરોપી તરીકે દર્શાવ્યા નથી.
પોલીસ દ્વારા ફઇલ કરાયેલા ચાર્જશીટમાં એ મતલબની હકીકતનો ઉલ્લેખ કરાયો છે કે, હાટકેશ્વર બ્રિજના નિર્માણ મામલે ગત તા.10-4-2015ના રોજ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિને રોજ છસ્ઝ્ર દ્વારા વર્ક ઓર્ડર અપાયો હતો. જેણે ટેન્ડરની શરતો અને મંજૂર પ્રોજેકટ મુજબ કામ કરવાનું હતું. તા.30-11-2017ના રોજ બ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ કરાઇ હતી અને તા.1-5-2018ના રોજ કમ્પલીશન સર્ટિફ્કિેટની પ્રોસીજર પૂર્ણ કરાઇ હતી.
એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, બ્રિજની કોંક્રિટ ગ્રીડની સ્ટ્રેન્થ માટે જે મીક્ષ ડિઝાઇન તૈયાર કરાયુ હતુ, તેનું પાલન અજય ઇન્ફ્રા.ના આરોપી ડાયરેકટરો અને કર્મચારીઓ દ્વારા કરાયુ ન હતું. નામાંકિત લેબોરટેરી પાસેથી પણવિવિધ ટેસ્ટ કરાવતાં એક્સ રે, પેટ્રોગ્રાફી, કાર્બોનેસન, માઇક્રોસ્કોપી એનાલિસિસ, કેમિકલ ટેસ્ટ વગેરે પરિક્ષણોમાં પણ કોંક્રીટની ગુણવત્તા જાળવવામાં આવી ન હતી, તેમ સ્પષ્ટ થયુ હતું. આરોપીઓએ નિયત ધારાધોરણ કરતાં હલકી કક્ષાનું મટીરીયલ્સ બ્રિજના નિર્માણમાં વાપર્યુ હોવાનો ખુલાસો થયો હતો. તો હાટકેશ્વર બ્રિજ નિર્માણમાં સુપરવિ ઝન અને નીરીક્ષણની સમગ્ર કામગીરી એસજીએસ ઇન્ડિયા પ્રા.લિને સોંપાઇ હતી પરંતુ તેણે પણ પોતાની કામગીરી બરોબર નિભાવી ન હતી, જેને લઇ બ્રિજ નિર્માણમાં ગંભીર ક્ષતિઓ અને ચૂક સામે આવ્યા હતા. આમ, અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિના ડાયરેકટરો-કર્મચારીઓ, એસજીએસ ઇન્ડિયા લિ.ના હોદ્દેદારો અને અમ્યુકોના અધિકારીઓ-કર્મચારીઓએ ભેગામળી કાવતરુ રચી હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં પોતાના આર્થક લાભ હેતુથી ફયદાનુસાર ટેન્ડરમાં નક્કી થયેલ શરતો અને ધોરાધોરણોનો ભંગ કરી હલકી કક્ષાનું મટીરીયલ વાપરી અમ્યુકોની મિલ્કતને માત્ર પોણા ચાર વર્ષના ટૂંકા ગાળામાં જ બિનઉપયોગી બનાવી દીધો હતો અને અમ્યુકોની તિજોરીને તેમ જ જાહેર જનતા નાણાંનું રૂ.44 કરોડથી પણ વધુનું નુકસાન પહોંચાડયુ હતુ.
ચાર્જશીટમાં આરોપીઓ તરીકે કોણ કોણ
અજય એન્જિનીયરીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિના ડાયરેકટરો રમેશ હીરાભાઇ પટેલ, તેમના બે પુત્રો ચિરાગ રમેશભાઇ પટેલ, કલ્પેશકુમાર રમેશભાઇ પટેલ, રસિક અંબાલાલ પટેલ, એસજીએસ ઇન્ડિયા પ્રા.લિના પ્રોજેકટ એન્જીનીયર નીલમ પટેલ અને પ્રોજેકટ કો ઓડનેટર પ્રવીણ અંબાવી દેસાઇ, ભાઇલાલ પંડયા, અમ્યુકોના કર્મચારી સતીષ પટેલ અને અતુલ પટેલ સહિતના આરોપીઓનો સમાવેશ થાય.
નાસતા ફરતા આરોપીઓમાં કોણ કોણ
નાસતા ફરતા આરોપીઓમાં પિંકલ પટેલ, રવિ પંચાલ, કૃણાલ પટેલ, રૂમીત પટેલ, તારાચંદ ભૈરવા, ધવલ સોનાવાલા, ઝલક શાહ, અતુલ ફ્ટાણીયા, જીગર પટેલ અને ચિરાગ પ્રજાપતિનો સમાવેશ થાય છે.