• મિતુલ ત્રિવેદીના ગપગોળા બહાર આવતા શહેરીજનોનાં ઘેરા પ્રત્યાઘાત
  • પોલીસ ઇસરોમાં પણ મિતુલ ત્રિવેદીની હકીકત વિશે તપાસ કરશે
  • મિતુલ ત્રિવેદી આખો દિવસમાં ઘરમાં પુરાઇ રહ્યો

ભારત દેશ, ઇસરોની ચંદ્રની સપાટી પર ચઢાઇની સિદ્ધિને વટાવી ખાનારા સુરતના મિતુલ ત્રિવેદીનો ભાંડો ફૂટી જતાં શહેરીજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સંદેશ'માં પ્રકાશિત અહેવાલ બાદ મિતુલ ત્રિવેદીનો ચહેરો બેનકાબ થઇ ગયો છે ત્યારે હવે હવાબાજીનો ખેલ ઉઘાડો પડી જતાં સુરત શહેર પોલીસતંત્ર પણ ગંભીર થયું છે. તેમજ સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. દરમિયાન ઇસરોમાં વેરિફિકેશન સહિતની તપાસ કામગીરી હાથ ધરાશે.

ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર ઉતરાણ થયા બાદ એક બાજુ આખો દેશ ગૌરવભરી ક્ષણની ઉજવણીમાં મગ્ન હતો તો ત્યારે બીજી બાજુ સુરતના મિતુલ ત્રિવેદીએ ખુદ ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવ્યાનો દાવો કરતા શહેરીજનો આફરીન પોકારી ઊઠયા હતા. જોકે, મિતુલ ત્રિવેદીના દાવામાં ભેદભરમ હોય 'સંદેશ' અખબારે અનેક પ્રશ્નો ઉઠાવતા તેના કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો. સમગ્ર પ્રકરણમાં શુક્રવારે સ્પેશિયલ બ્રાન્ચ ડી.સી.પી.ને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી સોંપ્યા બાદ સુરત શહેર પોલીસ કમિશનરે શનિવારે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. પોલીસ તરફે ઇસરોના માધ્યમથી વેરિફિકેશન કરાશે એવું પણ જાણવા મળ્યું હતું. જ્યારે મિતુલ ત્રિવેદીએ ખુદ કરેલા દાવાની ખરાઇ કરાશે. જોકે, બે દિવસમાં મિતુલે એકેય પુરાવો રજૂ કર્યો ન હોય પાછલા વર્ષોમાં પણ તેને વિવિધ પ્રોજેક્ટમાં કામગીરી સંદર્ભે ચલાવેલી હવાબાજી અંગે આકરી પૂછતાછ કરવામાં આવશે.

મિતુલ ત્રિવેદી આખો દિવસમાં ઘરમાં પુરાઇ રહ્યો

શુક્રવારે મિતુલના કરતૂતનો ભાંડો ફૂટી ગયા બાદ શનિવારે સવારથી જ ઘરમાં પુરાઇ રહ્યો હતો. શુક્રવારે સાંજે અડાજણ પોલીસના કર્મચારીઓ એલ.પી.સવાણી રોડ સ્થિત સ્વાતિ સોસાયટીમાં તેના ઘરે ગયા ત્યારે ઘરના દરવાજે તાળાં લાગ્યાં હતાં. જ્યારે શનિવારે સવારથી જ મિતુલે ઘરમાં અંદરથી તાળું મારી દીધું હતું. તેને કોઇ પણ વાત કહેવાનો કે અભિપ્રાય આપવાનો ઇન્કાર કર્યો હતો. મિતુલે પોલીસ કર્મચારીએ ઘરમાં રહેવાનો અને કોઇની સાથે વાત કરવાનો ઇન્કાર કર્યો હોવાનો સૂર આલાપ્યો હતો. તેણે મોબાઇલ નંબર પણ બંધ કરી દીધો હતો.