• ટ્રી પ્લાન્ટ, સર્બ ,ઓર્નામેન્ટ પ્લાન્ટ સપ્લાય કરતી બે એજન્સીના ઉંચા ભાવના

  • ચાર ટેન્ડરોની દરખાસ્ત ફગાવાઇ
  • સભ્યોની ગ્રાંટમાંથી ખરીદી કરવામાં વિલંબથી પણ સભ્યો ધુંઆપુંઆ

ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્થાયિ સમિતીની બેઠકમાં સભ્યોએ વહિવટીતંત્રના ઉપસ્થિત અધિકારીઓનો રીતસરનો ઉઘડો લઇ લીધો હતો. કેટલાક ટેન્ડર કરવામાં વિલંબ, જે ટેન્ડરો થયા છે તે પૈકી કેટલાક ટેન્ડરોના ઉંચા ભાવો તેમજ સભ્યોની ગ્રાંટમાંથી કરવાની થતી ખરીદીમાં વિલંબ જેવી બાબતોએ સભ્યો ઉકળ્યા હતા. આ મામલે સભ્યોએ જવાબદાર અધિકારીઓ પાસે ખુલાસો પણ પુછયો હતો. સ્થાયિ સમિતીમાં સભ્યોનો આ પ્રકારનો પ્રથમ વખત ગુસ્સો જોઇ વહિવટી પાંખ પણ નતમસ્તક જોવા મળી હતી.

ચેરમેન જસવંત પટેલની અધ્યક્ષતામાં આજે સ્થાયિ સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં અંદાજીત 300 કરોડના કામોની દરખાસ્તો મંજુરી અર્થે રજુ કરવામાં આવી હતી. જોકે, આ કામોની દરખાસ્ત પર ચર્ચા દરમિયાન સ્થાયી સમિતીના ચેરમેન સહિતના સભ્યોનો અલગ જ મીજાજ જોવા મળ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આજની બેઠક ગરમાગરમી ભરી બની રહી હતી. ખાસ કરીને સ્થાયી સમિતીમાં મનપા વિસ્તારમાં એન્યુઅલ રેટથી ટ્રી સપ્લાય તથા સર્બ અને ઓર્નામેન્ટ પ્લાન્ટ સપ્લાયની એજન્સીના મામલે તડાપીટ બોલી હતી. ટ્રી પ્લાન્ટ સપ્લાયની હરેકૃષ્ણા નર્સરી એન્ડ પ્લાન્ટેશનનું 18.98 ટકા ઉંચા ભરાઇને આવેલા 56.69 લાખનું ટેન્ડર તથા સર્બ અને ઓર્નામેન્ટ પ્લાન્ટના કામ માટે 19.90 ટકા ઉંચા આવેલા આનંદ ગાર્ડન નર્સરીનું 85.79 લાખનું ટેન્ડર જોઇને સભ્યો ભડક્યા હતા. આ ટેન્ડરોને મંજુરી અર્થે સ્થાયિ સમિતીમાં રજુ કરવામાં આવ્યા હતા. આટલા ઉંચા ભાવના ટેન્ડરોમાં કાંઇક ગોલમાલ હોવાની આશંકાના આધારે સભ્યોએ વહિવટી તંત્રના અધિકારીઓનો ખુલાસો પુછયો હતો.

છેકે, આ એજન્સીઓએ વાયબ્રન્ટમાં વૃક્ષો અને સર્બ અને ઓર્નામેન્ટ પ્લાન્ટ સપ્લાય કર્યા હતા. સભ્યોએ અધિકારીઓને જણાવ્યુ હતુકે, આ એજન્સીઓએ કેટલા રોપાઓ સપ્લાય કર્યા અને તેને કઇ કઇ જગ્યાએ મુક્યા તેનો રેકોર્ડ છે ? આ પ્રશ્નની સામે વહિવટી પાંખ નતમસ્તક જોવા મળી હતી. આ બંને ટેન્ડરો એજન્સીઓ માટે સોનાની મુરઘી સમાન હોવાનું જણાતા બંનેને રદ્દ કરીને રીટેન્ડર કરવાનો સ્થાયિ સમિતીએ નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત અન્ય બે ટેન્ડરો પણ નામંજુર કરવામાં આવ્યા હતા. જેમાં ન્યુ કોબાનુ તળાવ બનાવવા માટેના 8.33 કરોડના 6.29 ટકા ઉંચા આવેલા ટેન્ડર તથા રાયસણ સિવેજ પમ્પીંગ સ્ટેશનને લગતા ટેન્ડરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સભ્યોએ કેટલાક ટેન્ડર પ્રક્રિયામાં મોડુ થવાના મામલે પણ નારાજગી દર્શાવી હતી. તેઓએ આ મામલે વહિવટી તંત્રનો ખુલાસો પણ પુછયો હતો. એટલુજ નહી પરંતુ જીટીયુને ભરતી પ્રક્રિયા સોંપવાની બાબતને લઇને પણ સભ્યોએ નારાજગી દર્શાવી હતી. સભ્યોએ બળાપો કાઢયો હતોકે, તેમની ગ્રાંટમાંથી જે કામો સુચવવામાં આવ્યા છે તે કામોની ખરીદીમાં વિલંબ થઇ રહ્યો છે. આ વિલંબ પાછળનો ખુલાસો પણ પુછવામાં આવ્યો હતો. એક સમયે ચારેય બાજુથી ઘેરાયેલા વહિવટી પાંખની સ્થિતી કફોડી બની ગઇ હતી.

વાયબ્રન્ટમાં લગાવેલા રોપાઓનું પેમેન્ટ કરવાની મંજુરી મળતા અધિકારીઓને રાહત

કોર્પોરેશનની સ્થાયી સમિતીએ ટ્રી પ્લાન્ટ, સર્બ અને ઓર્નામેન્ટ પ્લાન્ટ સપ્લાય કરતી એજન્સીઓના ઉંચા ભાવ ના આવેલા ટેન્ડરો રદ્દ કરીને રી ટેન્ડર કરવાનો નિર્ણય લેતા એક સમયે વહિવટી પાંખની સ્થિતી કફોડી બની ગઇ હતી. જોકે, ત્યારબાદ વાયબ્રન્ટ સમિટ દરમિયાન જે પ્લાન્ટ લગાવ્યા છે તે પ્લાન્ટનું ચુકવણુ ટેન્ડરમાં દર્શાવેલા રેટ પ્રમાણે કરવાની સ્ટેન્ડિંગે મંજુરી આપતા આખરે વહિવટીતંત્રના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો. એક સમયે સ્થાયિ સમિતીના સભ્યોનો મિજાજ જોતા વહિવટી પાંખને વાયબ્રન્ટમાં બ્યુટિફિકેશન કરવુ ભારે પડયુ હોય તેમ જણાતુ હતું. પરંતુ આખરે તેઓના જીવમાં જીવ આવ્યો હતો.


  • Follow us on: