- મંદિરના પટાંગણમાં આજે ભવ્યાતિભવ્ય રંગોત્સવ ઊજવાશે
- તા. 25મીએ સોમવારે મંદિર પટાંગણમાં ભવ્યાતિભવ્ય રંગોત્સવ(ધૂળેટી પૂનમ) યોજાશે
- ધૂળેટી પૂનમ દર્શન અને રંગોત્સવનો લાભ લેવા હરિભકતોનો મહેરામણ ઊમટી પડશે
યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે હોળી પર્વ નિમિતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ સહિત દેવોને 250 કિલો કેસુડા ફૂલના વિશેષ વાઘા અને ધાણી, ચણા, ખજૂરનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં હરિભકતો ઉમટી પડયા હતા. તા. 25મીએ સોમવારે મંદિર પટાંગણમાં ભવ્યાતિભવ્ય રંગોત્સવ(ધૂળેટી પૂનમ) યોજાશે. ધૂળેટી પૂનમ દર્શન અને રંગોત્સવનો લાભ લેવા હરિભકતોનો મહેરામણ ઊમટી પડશે.
વડતાલ મંદિરના કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત રવિવારે હોળી પર્વ નિમિતે મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ સહિત દેવોને 250 કિલો કેસુડાના ફૂલોનો વાઘાનો શણગાર ધરાવવામાં આવ્યો હતો અને 570 કિલો ધાણી, ચણા, ખજૂર, હરડા અને ખારીસીંગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ દર્શનનો લાભ લેવા મોટીસંખ્યામાં હરિભકતો ઊમટી પડયા હતા. દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જયારે તા. 25મીએ સોમવારના રોજ વડતાલ મંદિરના પટાંગણમાં ભવ્યાતિભવ્ય રંગોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, બંને લાલજી મહારાજ તથા ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી સહિત વડીલ સંતોની ઉપસ્થિતિમાં ઉજવાશે. આ પ્રસંગે સુરત રામપુરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી, વકતા પી.પી. સ્વામી સવારે 7.30થી 11.30 કલાક દરમિયાન વડતાલ મંદિરના ઐતિહાસિક સભા મંડપમાં રંગોત્સવ કથાનું રસપાન કરાવશે.










