- રાત્રે બંદોબસ્ત વખતે પોલીસકર્મીએ કાર રોકતા બબાલ
- મોના હિંગુએ નશામાં ચૂર થઈ મચાવી બબાલ
- યુવતીએ અપશબ્દો બોલી પોલીસકર્મીને લાફો ઝીંક્યો
રાજ્યના વડોદરામાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવતીએ મોડી રાતે વડોદરાના ગોત્રી વિસ્તારમાં લગભગ દોઢ કલાક સુધી ધમાલ મચાવી હતી. એટલું જ નહીં પોલીસે દારૂ પીને ગાડી ચલાવવા બદલ બંદોબસ્ત સમયે તેની કાર રોકી તો તેણે પોલીસ કર્મીઓ સાથે પણ બબાલ શરૂ કરી દીધી હતી. સંસ્કારી નગરી વડોદરામાં 2.30-3.00ની આસપાસ યુવતી નશામાં ધૂત થઈને નીકળી હતી. આ મહિલાનું નામ મોના હિંગુ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ માટે અપશબ્દોનો કર્યો પ્રયોગ
જ્યારે પોલીસ સાથે આ યુવતી બબાલ કરી રહી હતી ત્યારે તે પોલીસને પણ અપશબ્દો બોલી રહી હતી અને સાથે જ એક કોન્સ્ટેબલને તેને થપ્પડ પણ મારી હોવાનું સામે આવ્યું છે. આ સિવાય મહિલા પોલીસ કર્મીને ધક્કામુક્કી કરી અને અભદ્રો શબ્દોનો ઉપયોગ કર્યો હતો. મોના હિંગુ નશામાં આડેધડ મારતી હોવાથી પોલીસ કર્મીઓને તેને પકડવામાં મુશ્કેલી પડી હતી. મોનાએ પોલીસને જોઈ લેવાની ધમકી પણ આપી હતી.
શું કહ્યું પોલીસે
જ્યારે યુવતી પોલીસ સાથે બબાલ કરી રહી હતી ત્યારે તે નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તે ક્યાંથી આવી રહી હતી તેને લઈને પોલીસ તપાસમાં જોડાઈ છે. પરંતુ યુવતીએ જે રીતે રસ્તાને અને પોલીસ કર્મીઓને નશાની હાલતમાં બાનમાં લીધા તે ખરેખર શરમજનક છે. દારૂબંધી વાળા રાજ્યમાં આવી ઘટનાઓ બને તે યોગ્ય નથી. યુવતી જ્યારે રાતના સમયે પોલીસ સાથે બોલાબોલી કરી રહી હતી ત્યારે તેણે એમ પણ કહ્યું કે મારો વીડિયો ઉતારી લો અને થાય તે કરી લો. જો કે એક મહિલા કોન્સ્ટેબલની મદદથી ગોત્રી પોલીસે બેફામ બનેલી યુવતીની અટકાયત કરી છે. યુવતી નશામાં હતી અને પોલીસકર્મીને લાફો મારીને કાયદો હાથમાં લીધો હતો. પોલીસે કહ્યું કે મોના હિંગુ વડોદરાની છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. જો કે યુવતીએ પોલીસ સ્ટેશનમાં પણ અપશબ્દો બોલીને પોલીસને હેરાન કર્યા હતા.
શું તેના કોઈ સંબંધી કે વકીલ આવ્યા
હાલમાં મળી રહેલી માહિતિ અનુસાર યુવતી મોના હિંગુને છોડાવવા માટે તેના વકીલ અને 2 મહિલા મિત્રો પોલીસ સ્ટેશન આવ્યા હતા. મળી રહેલી માહિતિ અનુસાર યુવતી બર્થડે પાર્ટીમાંથી દારૂ પીને આવી હતી. આ સાથે તપાસમાં એ પણ સામે આવ્યં છે કે મોના વડોદરાની જ રહેવાસી છે. મોનાના વકીલ ગાયત્રી પિલ્લાઈ અને મહિલા મિત્રોએ કહ્યું કે મોનાએ રાતે ક્યાં નશો કર્યો તેની અમને ખબર નથી. અમને તો મોનાનો અકસ્માત થયો હોવાની માહિતિ મળી હતી. હાલમાં મોના પર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને સરકારી કર્મચારીઓ પર હુમલો કરવાને લઈને ફરિયાદ કરવામાં આવી છે.