- રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
- સ્પોર્ટ્સ સંકુલો બાદ સરદાર સ્ટેડિયમ મળતાં રમત ગમત ક્ષેત્રે ચાર ચાંદ લાગ્યા
- મહેસાણા ક્રિકેટ એકેડેમી અને મહેસાણા નોર્થ ક્લબ વચ્ચે રમાઈ હતી મેચ
મહેસાણા શહેરના નાગરિકોની સુવિધા અને સગવડ તેમજ શહેરની ભવ્યતામાં સતત વધારો કરી રહેલ મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરના હજારો યુવાનો અને ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા રૂ. 11 કરોડના ખર્ચે નવનિર્મિત ઉત્તર ગુજરાતના સર્વ પ્રથમ સરદાર પટેલ સ્ટેડિયમનું મહેસાણાના ધારાસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
મહેસાણા ખાતે નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમમાં 5000 પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા ધરાવતું પાકુ આરસીસીનું અધતન સ્ટેડીયમ છે. સ્ટેડીયમમાં પ્રેક્ટીસ માટે અલગ અલગ પાંચ પીચ તૈયાર થયેલ છે. આ ઉપરાંત ક્રિકેટ, બાસ્કેટ બોલ, વોલીબોલ, ટેનીસ રમવા માટેની વ્યવસ્થા પણ કરાઇ છે. આ પ્રસંગે બેડમીન્ટન ખેલાડી, તસ્મીન મીરનું મોમેન્ટો તેમજ પ્રમાણપત્ર અને શાલ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓને પણ સ્ટેજ પર સન્માનીત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન નાગલપુર ખાતે મીનરલ પાણીના પ્લાન્ટનું, કર્વે સ્કૂલ પાસે નિર્માણ પામનાર શેલ્ટર હોમનું, ચોકની લીમડીથી ખારી નદી સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ લાઇન નાખવાના કામનું અને તાવડીયા રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વર્ષાબહેન પટેલ, ઉપપ્રમુખ કાનજીભાઇ દેસાઇ, કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસ, જશુભાઇ પટેલ, છઁસ્ઝ્ર મહેસાણા અને કડીના ચેરમેન તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
દૂધસાગરના કારણે શ્વેતનગરી અને ઓએનજીસીના કારણે ઓઈલ સીટીની ઓળખ ધરાવતી મહેસાણા નગરીને વિશાળ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ઉપર પ,000 પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા ધરાવતા સરદાર પટેલ સ્ટેડિયમનું નજરાણું મળ્યું છે. પાંચોટ સ્પોર્ટસ સંકુલ અને અટલ સ્પોર્ટસ સંકુલ બાદ આ સ્ટેડિયમ મળતાં રમત ગમત ક્ષેત્રે મહેસાણાને ચાર ચાંદ લાગી ગયા છે. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ મહેસાણા પાલિકાના ભારોભાર વખાણ કર્યા હતાં અને શહેરમાં થયેલી વિકાસયાત્રાનાં તબક્કાવાર વર્ણન કર્યાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં ધારાસભ્યો તો 18ર ચૂંટાશે. પરંતુ, પોતાના વિસ્તારના વિકાસ કાર્યો બધા જ કરી શકે તે માનવું ભૂલ ભરેલું છે. મહેસાણાના વિકાસની જનતા સાક્ષી છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે ઉમેર્યું હતું કે રાજકીય વ્યકિત કે સંસ્થા જયારે સેવા પ્રવૃત્ત હોય ત્યારે વિધ્નો આવતાં જ રહે છે. હું કડીમાં નગરસેવક હતો, ત્યારથી વિરોધીઓ રોડા નાંખતા આવ્યા છે. પરંતુ, કામ કરવાની ભાવનાએ મનોબળને મજબૂત બનાવ્યું છે અને નકારાત્મક પરિબળોની પીછેહઠ થઈ છે.
મહેસાણા ક્રિકેટ એકેડેમી અને મહેસાણા નોર્થ ક્લબ વચ્ચેની મેચમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ
મહેસાણાના સરદાર પટેલ સ્ટેડિયમમાં લોકાર્પણના પ્રથમ દિવસે જ મહેસાણાની બે ટીમ વચ્ચે ક્રિકેટનો મુકાબલો ખેલાયો હતો. જેમાં મહેસાણા નોર્થ ક્લબ ટીમે હરીફ્ ટીમ મહેસાણા ક્રિકેટ એકેડમીને 37 રનથી પરાજિત કરી વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમ અને મેન ઓફ્ ધ મેચ ને મહેસાણા પાલિકા દ્વારા ટ્રોફી આપી પ્રોત્સાહન સાથે સન્માનિત કર્યા હતા. મહેસાણા શહેરમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર ગુજરાતનું પ્રથમ સરદાર પટેલ સ્ટેડિયમ રૂ. 11 કરોડના ખર્ચે નિર્મિત કરવામાં આવ્યું છે ત્યારે આ સ્ટેડિયમના લોકાર્પણના પ્રથમ દિવસે જ મહેસાણા નગરપાલિકા દ્વારા ટી - 20 મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મહેસાણા ક્રિકેટ એકેડમી અને મહેસાણા નોર્થ ક્લબ એમ બે ટીમ વચ્ચે ક્રિકેટની રમત રમાડવામાં આવી હતી. જેમાં મહેસાણા નોર્થ ક્લબ ના ખેલાડીઓએ આગવું પ્રદર્શન કરી 86 રન અને છ વિકેટ લીધી હતી. જ્યારે હરીફ્ ટીમ મહેસાણા ક્રિકેટ એકેડમીએ 46 રન અને 10 વિકેટ ખેરવી હતી. પરિણામે 37 રન વધુ કરી મહેસાણા નોર્થ ક્લબની ટીમે વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમને નગરપાલિકાના મુખ્ય અધિકારી અલ્પેશ પટેલ દ્વારા પ્રોત્સાહનના ભાગરૂપે ટ્રોફી એનાયત કરી સન્માનિત કરાઈ હતી. આ ટી-20 મેચમાં મેન ઓફ્ ધ મેચ ખેલાડી ઓમ પ્રજાપતિને એન્જિનિયર જતીન પટેલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.