સુરતના ગજેરામાં અધૂરા બ્રિજની કામગીરીથી શહેરીજનો અકળાઈ ગયા છે, બ્રિજની મંથરગતિથી કામ કરતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે, ત્રણ વર્ષથી ચાલતું કામ માત્ર 50 ટકા જ પૂર્ણ કરવામાં આવ્યું છે, મેયરે ઇજાદાર, બ્રિજ સેલના અધિકારીઓ સાથે કરી સમીક્ષા અને હવે 50 ટકા કામને 7 મહિનામાં પૂર્ણ કરવાનો મેયરે આદેશ કર્યો છે.


ફ્લાય ઓવર બ્રિજ બનાવી દેવાનો કડક શબ્દોમાં આદેશ કર્યો હતો
ગજેરા જંકશન પર છેલ્લા ત્રણ વર્ષથી ફ્લાય ઓવર બ્રિજનું માંડ ૫૦ ટકા કામ થયું હોય હવે આગામી ૭મહિનામાં સંપૂર્ણ કામગીરી પૂરી કરવાનું અલ્ટિમેટમ અપાતા તર્કવિતર્કનો દોર શરૂ થયો છે. ગજેરા જંક્શન પાસેના ફ્લાય ઓવર બ્રિજ મુદ્દે મેયર દક્ષેશ માવાણીએ સ્થળ મુલાકાત લીધી હતી. ઈજારદાર અને બ્રિજ સેલના અધિકારીઓ સાથે સ્થળ પર કામગીરીની સમીક્ષા કર્યા બાદ ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં એટલે કે આ વર્ષના અંત સુધીમાં ફ્લાય ઓવર બ્રિજ બનાવી દેવાનો કડક શબ્દોમાં આદેશ કર્યો હતો.

ઈજારદારની ફુરસદે બુધવારે સમીક્ષાનો નિર્ણય કરાયો હતો
કતારગામ વિસ્તારમાં ઇજારદારની ધીમી કામગીરીને કારણે અહીંના રત્નમાલાથી ગજેરા જંક્શન સુધીના ફ્લાય ઓવર બ્રિજનું કામ માંડ માંડ આગળ ધપી રહ્યું છે. જુલાઈ-૨૦૨૨માં ૬૨.૮૪ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું ટેન્ડર મંજૂર કરાયું હતું. ૩૦ મહિનામાં કામ પૂર્ણ કરી બ્રિજ ખુલ્લો મૂકવાનું આયોજન હતું. જોકે, ૩૪ મહિના પછી પણ માત્ર ૫૦ ટકા જ કામગીરી પૂર્ણ થતાં ગજેરા સર્કલ પાસે ટ્રાફિકની બુમરાણ મચી છે. હેરાન પરેશાન થયેલા સ્થાનિકો, વેપારીઓએ મેયર દક્ષેશ માવાણીને રજૂઆત કરતા ગત સોમવારે બ્રિજ સેલના અધિકારીઓ અને ઈજારદારને સમીક્ષા બેઠક માટે તેડું મોકલાયું હતું. જોકે, ઈજારદારની ફુરસદે બુધવારે સમીક્ષાનો નિર્ણય કરાયો હતો.

અલ્ટિમેટમ અપાયું હોય સાત મહિનામાં બ્રિજ પૂરો થશે કે કેમ એ મોટો પ્રશ્ન સર્જાયો હતો
પાલિકા કચેરીમાં ચર્ચા કરવાની જગ્યાએ મેયર દક્ષેશ માવાણીએ ઈજારદાર બ્રિજ સેલના અધિકારીઓને સ્થળ પર બોલાવી સમીક્ષા કરી હતી. તેમજ ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં કામ પૂરું કરવાનું અલ્ટિમેટમ અપાયું હોય સાત મહિનામાં બ્રિજ પૂરો થશે કે કેમ એ મોટો પ્રશ્ન સર્જાયો હતો. ઉપરાંત, વલ્લભાચાર્ય રોડથી શરૂ કરી કાપોદ્રા તરફે હયાત શ્રીનાથજી બ્રિજને જોડતાં એન્ટ્રી રેમ્પની કામગીરી માટે પણ ડિસેમ્બર-૨૦૨૫ સુધીની મુદત આપી છે.
  • Follow us on: