- વાતાવરણમાં બદલાવના કારણે કેસોમાં સતત વધારો
- શરદી,ખાંસી અને ગળાની સમસ્યાની અનેક ફરીયાદો
- કેસ વધવા પાછળ H3N2 ઈન્ફ્લુએન્ઝા વાઈરસ જવાબદાર
રાજ્યમાં ઉનાળાની શરૂઆતની સાથે જ હીટવેવની આગાહી પણ કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં આવનારા 3 દિવસ દરમિયાન હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે 48 કલાકમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનશે. રાજ્યના અનેક વિસ્તારોમાં હાલમાં ભારે પવન સાથે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. આ કારણે રાજ્યમાં લોકોની મુશ્કેલી વધી છે. રાજ્યમાં ગરમી અને વરસાદની બેવડી ઋતુના કારણે બીમારી વધી રહી છે. રાજ્યમાં ન્યુમોનિયાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
વાતાવરણમાં બદલાવના કારણે કેસોમાં સતત વધારો
ઉલ્લેખનીય છે કે શરદી, ખાંસી અને ગળાની સમસ્યાની અનેક ફરિયાદો સાથે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. જાણકારોનું માનવું છે કે હાલમાં જે રીતે કેસ વધી રહ્યા છે તેના માટે H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસ કારણભૂત છે. છેલ્લા 10 દિવસમાં 32 હજારથી વધારે કેસ આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
અસારવા સિવિલમાં ઓપીડીમાં વધી દર્દીની સંખ્યા
મળતી માહિતી અનુસાર અસારવા સિવિલ હોસ્પિટલમાં રોજ ઓપીડીમાં 3800થી વધુ કેસ આવી રહ્યા છે. હાલમા જે દર્દીઓની સંખ્યા વધી રહી છે તેમાં નાના બાળકો અને સીનિયર સીટિઝનના કેસમાં વધારો જોવા મળ્યો છે. આ સાથે IMAએ તારણ આપ્યું છે કે વાયરલના કેસમાં એન્ટિબાયોટિકની જરૂર રહેતી નથી.
ઉનાળાના પ્રારંભમાં વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા
છેલ્લા કેટલાક દિવસથી મોડી રાત્રે-વહેલી સવારે ઠંડીનો ચમકારો અને દિવસ દરમિયાન આકરી ગરમીથી ડબલ સીઝન અનુભવાઇ રહી છે. જેના પગલે વાયરલ ઈન્ફેક્શન, ગળું પકડાવવું, તાવ-શરદીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. સામાન્ય રીતે વાયરલ ઈન્ફેક્શનના કિસ્સામાં તાવ બેથી ત્રણ દિવસમાં ઉતરી જતો હોય છે. પરંતુ હાલ આ ચેપ 10 દિવસથી વધુ પરેશાન કરતો હોવાનું પ્રમાણ વધ્યું છે. ડોક્ટરોના મતે શરદીની શરૂઆતમાં ગળામાં સોજો આવે ત્યારે તેનું પૂરતું ધ્યાન રાખવામાં ન આવે તો વાયરસથી ચેપ વધીને ગળાથી આખા શરીરમાં ફેલાઇ શકે છે. દર વખતે શિયાળાની વિદાય અને ઉનાળાના પ્રારંભ અગાઉ વાયરલ ઈન્ફેક્શનના કેસ વધતા જ હોય છે. પરંતુ આ વખતે તે પ્રમાણ ઘણું વધારે છે.









