• ગ્લોબલ કનેક્ટ મિશન 84 કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું સંબોધન
  • ચેમ્બરમાં ઉદ્યોગકારોએ રૂ. 17,593 કરોડથી વધુની એક્સ્પોર્ટ કરવા સંકલ્પ લીધો
  • વેપારમાં સફળ થવા ઉદ્યોગકારોને વિશ્વમાં વિશ્વસનિયતા ઊભી કરવાની સલાહ

ચેમ્બર દ્વારા આયોજિત ગ્લોબલ કનેક્ટ મિશન 84 કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ નિકાસકારોને એક્સપોર્ટ માટે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટનું ઉત્પાદન, વ્યાજબી દર અને વિશ્વમાં પ્રોડક્ટની માંગ ઊભી કરવી પડશે તેમ જણાવ્યું હતું, સાથેસાથ વેપારમાં સફળ થવા માટે ઉદ્યોગકારોને વિશ્વમાં વિશ્વસનિયતા ઊભી કરવાની સલાહ આપી હતી.

મંત્રી મનસુખ માંડવિયાએ ઉદ્યોગકારોને સંબોધિત કરતા કહ્યું હતું કે ભારત દેશ, ટ્રેડની અંદર પહેલાંથી જ સમૃદ્ધ હતો. વિશ્વનું સૌથી જૂનું ડોક લોથલમાં છે. 5000 વર્ષ પહેલા લોથલથી ટ્રેડ ચાલતો હતો. ધોળાવિરામાં 5000 વર્ષ પહેલાં વોટર હાર્વેસ્ટિંગ અને સિટી પ્લાનિંગ થયા હતા. સુરતમાં એક સમયે 84 દેશોના વાવટા ફરકતા હતા. 200 વર્ષ પહેલાં સુરતમાં શીપ તૈયાર થતા હતા. આથી આ દેશ સમૃદ્ધ વિરાસતનો વાહક છે. વધુમાં તેમણે કહ્યું કે વિશ્વભરમાં ભારતે બેસ્ટ કોવિડ મેનેજમેન્ટ કર્યું હતું. જેના થકી ટ્રેડ એન્ડ બિઝનેસને સિક્યુરિટી આપવાનું કામ કર્યું હતું.


કોવિડ પછી વિશ્વમાં ભારત પ્રત્યે એવો વિશ્વાસ ઊભો થયો છે કે પ્રોડક્ટ મોંઘી હશે છતાં દુનિયાએ ભારતથી પ્રોડક્ટ લેવી છે. વિશ્વ માટે સૌથી સુરક્ષિત રોકાણ કરવા માટેનો દેશ એટલે ભારત છે. ભારત સરકાર, ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી છે. વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે. સરકાર 14 લાખ કરોડની પીએલઆઇ સ્કીમ લાવી રહી છે. નવી પોલિસી અને એકટમાં રિર્ફોર્મ સાથે ક્લીયર વિઝન નક્કી કરી રહી છે. મેડિકલ ડિવાઇ સિસ બનાવવા માટે પાર્ક બનાવી રહ્યા છે. બલ્ક ડ્રગ પાર્ક બની રહ્યા છે. સરકાર હવે ઇન્ડસ્ટ્રીને ઉપયોગી થવાનું કામ કરી રહી છે.


ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2027 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એના માટે ઉદ્યોગકારોને 1 ટ્રિલિયન યુએસ ડોલરનો એક્સ્પોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, આથી ગુજરાત રિજિયનમાંથી ઉદ્યોગકારોનું એક્સ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન 84 અંતર્ગત વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉદ્યોગકારોએ કરેલી રજૂઆત:

  • સ્પેશયલ ઇકોનોમિક ઝોનના ઉદ્યોગકારો સ્થાનિક બજારમાં માલ વેચી શકે
  • રોડટેપ સ્કીમમાં કેમિકલ ઉદ્યોગકારો માટે ઇન્સેન્ટિવ વધારવામાં આવે
  • સીઇટીપી માટે ક્લીયરન્સ ઝડપથી આપવામાં આવે
  • ચાઇનાની અમુક કેમિકલ પ્રોડક્ટ પર એન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવે
  • ડોલરથી પેમેન્ટમાં સમસ્યા હોય તો રૂપિયામાં વિદેશ વેપાર કરવાની છૂટ મળે


  • Follow us on: