• આનંદનગર વિસ્તારમાંથી દેહવ્યાપારનો પર્દાફાશ
  • હાલો સ્પા એન્ડ મોરમાં પોલીસનો દરોડો
  • આનંદનગર પોલીસ સ્ટેશને નોંધાયો ગુનો
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા હાલો સ્પા એન્ડ મોરમાં મસાજના નામે દેહવ્યાપારનું રેકેટ ઝડપાયું, પોલીસ દરોડા બાદ હાલ સ્પા સંચાલકો દ્વારા અંડર મેન્ટેનન્સનું બોર્ડ લગાવાયું છે.

ગુજરાતમાં હાલ મોટા શહેરોમાં ઠેર ઠેર સ્પાના સેન્ટરો બિલાડીના ટોપની જેમ ચોમેર ફૂટી નીકળ્યા છે. એક અંદાજ મુજબ માત્ર અમદાવાદમાં જ હજારોની સંખ્યામાં મસાજપાર્લરનો ધંધો વિકસી ગયો છે. જો કે આ મસાજપાર્લરના નામે ઘણી વાર તેમાં અનૈતિક અને અશ્લીલ પ્રવૃત્તિઓ થતી હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતના ઘણાં શહેરોમાં ઘણી વાર આવા પ્રકારની ઘટનાઓ મીડિયા અહેવાલોમાં અથવા પોલીસ ચોપડે નોંધાતી રહી છે. ત્યારે આવી વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા હાલો સ્પા એન્ડ મોરમાં મસાજના નામે કૂટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું છે. બાતમી મળતાં પોલીસ દ્વારા ત્યાં દરોડો પણ પાડવામાં આવ્યો હતો.

અમદાવાદમાં આનંદનગર વિસ્તારમાં રોડ પર જ આવેલી દેવ એંટેલિયર નામની બિલ્ડીંગમાં આ હાલો સ્પા એન્ડ મોર આવેલું છે. આ મસાજ પાર્લરમાં સ્પાના ઓઠા હેઠળ કૂટણખાનું ચાલતું હોવાની બાતમી આનંદનગર પોલીસને મળી હતી. જેના અનુસંધાને પોલીસે એક ડમી ગ્રાહકને સાધી સ્પામાં મોકલ્યો હતો. જેમાં સ્પા સંચાલકોના આ ગોરખધંધા સામે આવ્યા હતા. જેના પછી પોલીસે સ્પા સેન્ટર પર દરોડો પાડતા 3 યુવતીઓ અને 3 મહિલાઓ મળી આવી હતી. આ મામલે મહિલા સંચાલક અને મેનેજરની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ દરોડા બાદ હાલ આ સ્પા પર અન્ડરમેન્ટેનન્સનું બોર્ડ મારી તેને બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ 24 કલાક વાહનોથી ધમધમતા રોડ પર જે રીતે કોઈ પણ રોકટોક કે પોલીસના ડર વિના જે રીતે બિન્ધાસ્ત આ સ્પામાં કૂટણખાનું ચાલતું હતું તે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા કરી જાય છે.

હાલ આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને સ્પાની મહિલા સંચાલક તેમજ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. આ સ્પામાં જે યુવતીઓ મળી આવી છે તેમને કોઈ મજબૂરીવશ અથવા અન્ય રાજ્યોથી બળજબરી કરીને અહીં લાવીને આ દુષ્કૃત્યમાં ગોઠવી દેવાઈ છે તે બાબતે વધુ જાણકારી પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે.

  • Follow us on:

[[$googlead]]